લાક્ષાગૃહ એક પ્રાચીન ભવન છે જેનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથ મહાભારતમાં વેદવ્યાસ દ્વારા કરવામાં આવ્યો છે. કૌરવો દ્વારા પાંડવોનું કાસળ કાઢવાના એક ષડયંત્ર અંતર્ગત આ લાક્ષાગૃહનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મામા શકુની આ ષડયંત્રના મુખ્ય સૂત્રધાર હતા. બાદમાં રાત્રે આગ લગાડીને આ ભવન સળગાવી દેવાયું હતું, પરંતુ પાંડવોને આ ષડયંત્રની અગાઉથી જ્ જાણ થઈ જવાથી અગાઉથી જ બચીને નીકળી ગયા ગયા હતા. જે સ્થળે લાક્ષાગૃહ હતું તે સ્થળ હાલ ઉત્તર પ્રદેશમાં વરણાવત કે બરનાવા તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલું છે. અહીં એક સુરંગ છે જે હિડન નદીના કિનારે ખૂલે છે. પાંડવો આ સુરંગ દ્વારા જ બચીને બહાર નીકળી ગયા હોવાનું માનવામાં આવે છે.[1]

ઇતિહાસ

લાક્ષાગૃહમાંથી બચીને બહાર નીકળતા પાંડવો

આ સ્થળનો ઇતિહાસ અંદાજીત ૫૦૦૦થી વધુ વર્ષ જૂનો છે અને પાંડવોની સાથે સંકળાયેલો છે. ઉત્તર પ્રદેશમાં મેરઠથી લગભગ ૩૫ કિ.મી. દૂર મેરઠ-બડૌત માર્ગ પર બાગપત જિલ્લાનો બરનાવા તાલુકો આવેલો છે. ઐતિહાસિક માન્યતા મુજબ આની સ્થાપના રાજા અહિબારન તોમરે કરી હતી. આ સ્થળ પર જ મહાભારત સમયનું લાક્ષાગૃહ આવેલું છે. યુદ્ધ ન થાય તે માટે શ્રીકૃષ્ણની સલાહથી પાંડવોએ માત્ર પાંચ ગામો પાનીપત, સોનીપત, બાગપત, તિલપત અને વરુપત (વાણાવૃત અથવા બરનાવા) માગ્યા હતા, પણ કૌરવોએ સોયની અણી જેટલી જમીન પણ પાંડવોને આપવાની ના પાડી દીધી હતી. પાંડવોનું હંમેશ માટે કાસળ કાઢી નાખવા કૌરવોએ એક યોજના બનાવી અને હાલનું બરનાવા છે તે સ્થળે લાક્ષાગૃહનું નિર્માણ કરવામાં આવ્યું અને પાંડવોને જીવતા જ સળગાવી દેવાની યોજના હતી. વિદુરની સમજદારીથી પાંડવોને અગાઉથી જ આ ષડયંત્રની ભાળ મળી ગઈ અને લાક્ષાગૃહમાંથી સુરંગ દ્વારા સલામત રીતે ભગી જવામાઆં સફળ થવાથી પાંડવોની જાન બચી ગઈ હતી. તે સુરંગ આજે પણ આ સ્થળે આવેલી છે. [2]


વર્તમાન સ્થિતિ

બરનાવાની દક્ષિણે લગભગ ૧૦૦ ફૂટ ઊંચો અને ૩૦ એકરમાં ફેલાયેલો મહાભારતકાળના લાક્ષાગૃહનો ટીંબો હવે માત્ર ભજ્ઞ અવશેષના રુપમાં છે. ટીંબાની પાસે પાંડવોનો કિલ્લો પણ છે. આ કિલ્લામાં ઘણી બધી પ્રાચીન મૂર્તિઓ વિદ્યમાન છે. હાલમાં આ સ્થળ ગુરુકુળ આશ્રમ અને ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રાચીન અવશેષની દેખરેખ રાખવાની જવાબદારી ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા નિભાવવામાં આવે છે.

આવાગમન

સામાન્ય રીતે લાક્ષાગૃહ અને પાંડવોનો કિલ્લો યાત્રીકો માટે હંમેશ ખ્Uલ્લો રહે છે પણ ખાસ કરીને ફાગણ માસમાં અહીં મોટો મેળો ભરાય છે જેમાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં યાત્રીઓ આવે છે. ઉત્તર પ્રદેશમાં આવેલા આ પ્રાચીન સ્થળે જવા માટે સર્વપ્રથમ મેરઠ પહોચવાનું રહે છે. ત્યાંથી બડૌત રોડ થઈને પોતાના વાહન, ખાનગી વાહનો કે બસ દ્વારા બરનાવા પહોચી શકાય્ છે. બરનાવા મેરઠથી ૩૫ કિ.મી. દૂર છે અને વાહનમાં લગભગ એકાદ કલાકનો રસ્તો છે. આ ઉપરાંત દિલ્લીથી શામલી રોડ થઈને બડૌત પહોચીને પઆણ બરનાવા જઈ શકાય્ છે. આ જ્ રસ્તે પરત ફરી શકાય છે.

ચિત્રપટ

સંદર્ભો

  1. "शह और मात के खेल का गवाह है लाक्षागृह". લેખ. પત્રિકા. ૫ માર્ચ ૨૦૧૩. મેળવેલ 3 જુલાઇ 2017.
  2. "ઇતિહાસ". લેખ. પત્રિકા. ૫ માર્ચ ૨૦૧૬. મેળવેલ 4 જુલાઇ 2017.

આ પણ જુઓ

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.