હસ્તિનાપુર (સંસ્કૃત: हस्‍तिनापुरम्, हास्तिनपुरम्) જેનું મૂળ નામ છે હાસ્તિનપુર તે ઉત્તર પ્રદેશના મેરુત જિલ્લામાં આવેલું અતિ પ્રાચિન અને ઐતિહાસીક નગર છે. હસ્તિનાપુર કુરુકુળની રાજધાની હોવાથી મહાભારતમાં તેનો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે. મહાભારત અનુસાર રાજા દુષ્યંતના પુત્ર ભરતના પ્રપૌત્ર રાજા હસ્તિએ ગંગા નદીને કિનારે આ નગર વસાવ્યું હતું. આ નગર કૌરવો અને પાંડવોની રાજધાની હતી. દિલ્હીની ઉત્તર-પૂર્વે (ઈશાન ખૂણે) આશરે ૯૧ કિમી. ના અંતરે આ નગરના અવશેષો મળી આવેલ છે. આ અવશેષો ગંગા નદીના પ્રવાહમાં ધોવાઈ ગયા છે.[1]

ઉત્ખનન

ઈ. સ. ૧૯૫૦ થી ૧૯૫૩ દરમિયાન પુરાતત્વવિદ બી. બી. લાલ દ્વારા કરાયેલ ઉત્ખનન દરમિયાન અહીંથી પાંચ સંસ્કૃતિકાળની ભાળ મળી છે તથા પ્રત્યેક કાળના વાસણોની અહીંથી અવશેષ મળ્યા છે. આમાંના સૌથી પ્રાચિન કાળનાં વાસણો ચિત્રિત ગેરુવા રંગના વિશિષ્ટ ભાતવાળા છે તથા બીજા કાળનાં વાસણો સલેટી રંગનાં અને તેના ઉપર ભૂરા કે કાળા રંગનાં ચિત્રણવાળાં વાસણો છે. અહીં તાંબાનો ઉપયોગ થતો હોવાના પણ પૂરાવા મળ્યા છે. ત્રીજા કાળનાં કાળા ઓપવાળાં વાસણો, માટીની પાકી ઈંટો, સીક્કા વગેરે મળ્યા છે. ચોથા તબક્કામાં મધ્યકાલીન અવશેષો મળ્યા છે. બી. બી. લાલ આ ચારેય કાળમાંના દ્રિતીય કાળને મહાભારતકાળ માને છે.[1]

સંદર્ભો

  1. 1 2 વ્યાસ, હસમુખ; શુક્લ, જયકુમાર ર. (૨૦૦૯). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૨૫. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬૬૯-૧૭૦.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.