સભા પર્વ મહાભારતના અઢાર પર્વ પૈકીનું બીજું પર્વ છે. તેને સભામંડપ પર્વ પણ કહેવાય છે.[1] સભા પર્વ પરંપરાગત રીતે ૧૦ ઉપપર્વો અને ૮૧ પ્રકરણોમાં વિભાજીત છે.[2] [3] [4] [5]

સભા પર્વની શરૂઆત ઇન્દ્રપ્રસ્થ ખાતે મય (મયાસુર) દ્વારા બાંધવામાં આવેલ મહેલ અને સભામંડપના વર્ણનથી થાય છે. પુસ્તકનું પ્રકરણ ૫ રાજ્ય અને તેના નાગરિકો સમૃદ્ધ, સદાચારી અને સુખી બનવા માટે જરૂરી શાસન અને વહીવટના સોથી વધુ સિદ્ધાંતોની રૂપરેખા આપે છે. પર્વના મધ્ય ભાગ દરબારમાં જીવનનું વર્ણન કરે છે, આ જ પર્વમાં યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞનું વર્ણન છે. છેલ્લા બે ભાગ સદાચારી રાજા યુધિષ્ઠિરના એક દુર્ગુણ અને વ્યસનનું વર્ણન કરે છે - જુગાર.[6] શકુની યુધિષ્ઠિરની મજાક ઉડાવે છે અને તેને પાસાની રમતમાં લલચાવે છે. યુધિષ્ઠિર રમતનું ઇજન સ્વીકારે છે અને એક પછી એક બધું હારતા જાય છે. તે પોતાનું રાજ્ય, ભાઈ, પોતાની જાત અને રમતની પરાકાષ્ઠામાં પોતાની પત્ની દ્રૌપદીનો પણ દાવ પર લગાવીને હારી જાય છે. છેલ્લા દાવમાં તો પોતે ભાઈઓ અને દ્રૌપદી સહિત બાર વર્ષનો વનવાસ અને તેરમા વર્ષનો અજ્ઞાતવાસ ભોગવવાની શરત સાથે એક દાવ રમે છે, તે પણ હારી જતાં આખરે વનવાસ ભોગવો છે. [3] [7]

આ પર્વમાં માનવતા વિરુદ્ધ દુષ્ટતા અને અપરાધના સિદ્ધાંતની પણ વિગતો આપવામાં આવી છે, જ્યારે સમાજ મોટા પ્રમાણમાં વ્યવસ્થિત ગુના અને અન્યાયનો ભોગ બને છે ત્યારે જે વ્યક્તિઓને પોતાને નુકસાન ન થયું હોય તેઓએ શા માટે કાર્ય કરવું જોઈએ - આ સિદ્ધાંત મગધની વાર્તા, પ્રકરણ ૨૦ થી ૨૪માં વર્ણવેલી મગધની કથા પરથી તારવવામાં આવ્યો છે. મગધમાં જ કૃષ્ણ, અર્જુન અને ભીમની ત્રિપુટીએ જરાસંધનો વધ કર્યો હતો.[3] [8]

માળખું અને પ્રકરણો

સભા પર્વમાં ૧૦ ઉપપર્વ અને કુલ ૮૧ પ્રકરણો છે.[3] [7] તેના ઉપપર્વો નીચે મુજબ છે:[9]

૧. સભાક્રિયા પર્વ (અધ્યાય: ૧-૪)
બીજા પર્વનો પહેલો ઉપપર્વ યુધિષ્ઠિર અને તેના ભાઈઓ માટે મહેલના નિર્માણનું વર્ણન કરે છે, ઇન્દ્રપ્રસ્થના આર્કિટેક્ટ શ્રી વિશ્વકર્મા પોતે હતા. અને તેમાં યુધિષ્ઠિરનો મહેલ મયાસુર નામના રાક્ષસે બનાવ્યો હતો. આ મહેલમાં માયાવી દૃષ્યો હતા, જેમ કે, જ્યાં પાણીનો કુંડ દેખાતો હોય ત્યાં ફક્ત જમીન જ હોય અને ક્યાંક સામાન્ય દેખાતી સપાટી વાસ્તવિકતામાં એક પાણીનો કુંડ હોય. આ મહેલના બાંધકામ પૂર્ણ થયા પછી તેના નિદર્શન માટે મોટી ઉજવણીમાં ભારતવર્ષમાંથી અન્ય રાજાઓ તેમ જ ઋષિઓને આમંત્રિત કરવામાં આવે છે.
૨. લોકપાલ સભાખ્યાન પર્વ (અધ્યાય: ૫-૧૩) [1] [8] [10][11]
દેવર્ષિ નારદ મહેલમાં ઉજવણી માટે આવે છે. નારદજી રાજમહેલની ખૂબીઓનું ખૂબ મનોરમ્ય વર્ણન કરે છે.[12] આ પર્વમાં શાસક રાજ્યશાસ્ત્રના ભાગરૂપે રાજાનાં કર્તવ્યો ખૂબ સરળ રીતે સમજાવવામાં આવ્યાં છે. તેમાં રાજાએ મંત્રીના યોગ્ય ઉમેદવારની પસંદગી વખતે શું ધ્યાન રાખવું, સૈન્યની તાલીમ અને સંભાળ કેવી રીતે રાખવી, બાહ્ય અને આંતરિક દુશ્મનો પર નજર રાખવાની પદ્ધતિ, યુદ્ધ અને જાસુસીના નિયમો,[13] નિવૃત્ત સૈનિકો અને ખેડુતોના પરિવારોની[14] કાળજી લેવાના રાજ્યધર્મ, વ્યાપારીઓને રાજ્ય તરફથી ટેકો, સામ્રાજ્યમાં ગરીબ અને પીડિતોની સંભાળ, કર પરની નીતિઓ, અર્થ અને સમૃદ્ધિ માટે પ્રોત્સાહન, મુક્ત વેપાર, પુરસ્કારની યોગ્યતા, ગુનેગારને પીછો અને સજા, પ્રવૃત્તિઓ, સમાન રીતે અને તરફેણ વિના ન્યાયની પ્રણાલિ સહિત પુરા રાજ્યશાસ્ત્રના પાઠ નારદજીના શ્રીમુખેથી વર્ણવવામાં આવ્યા છે. નારદજી યુધિષ્ઠિરને બોધ આપે છે કે તેમના રાજ્યમાં ધર્મ, અર્થ અને કામની સેવા કરવી એ તેમનું કર્તવ્ય છે. સભા પર્વમાં રાજ્યના વહીવટ અને શાસનનો આ સિદ્ધાંત, ભારતીય અર્થશાસ્ત્રમાં વિગતવાર ચર્ચાઓનો સારાંશ આપે છે.[15] અન્ય ભારતીય મહાકાવ્ય, રામાયણમાં ન્યાયી વહીવટ અને કાયદાના શાસન પર આવું જ પ્રકરણ છે.[16] યુધિષ્ઠિર નારદની સલાહને અનુસરવાનું વચન આપે છે. નારદજી યમ, વરુણ, ઈન્દ્ર, કુબેર અને બ્રહ્માના સભામંડપની રચના અને સ્થાપત્યનું પણ વર્ણન કરે છે એને યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવાની સલાહ આપે છે.
૩. રાજસૂયારંભ પર્વ (અધ્યાય: 14-19)
વેદિક કાળમાં જ અજ્ઞાનના ગર્ત પણ સમાંતર અસ્તિત્વમાં જોવા મળે છે. માનવ બલિદાનની આસુરી વૃત્તિ પણ આ કાળમાં હતી. મગધમાં આવી અમાનવીય વૃત્તિઓને રાજ્યાશ્રય મળવાથી અરાજકતા ચોતરફ ફેલાઈ હતી. તેથી શ્રી કૃષ્ણ મગધના રાજા જરાસંધને મારવા અને ધર્મની સ્થાપના કરવા પાંડવોને સલાહ આપે છે. જરાસંધે કેદ કરેલાં નિર્દોષ અને ધર્મપરાયણ લોકોને છોડાવવાથી રાજસૂય યજ્ઞ કરવામાં પણ મદદ મળવાની વાત શ્રી કૃષ્ણ સમજાવે છે. ત્રેતાયુગ જેવા કાળમાં જ્યારે કૃષ્ણને પૂછવામાં આવ્યું કે જરાસંધ શા માટે શક્તિશાળી હોવાની સાથે દુષ્ટ પણ છે. ત્યારે તે જરાસંધનું નામ રાક્ષસના નામ જરા નામના રાક્ષસ પરથી કેવી રીતે પડ્યું તેની કથા કહે છે.
૪. જરાસંધ-વધ પર્વ (અધ્યાય: ૨૦-૨૪) [1]
ભીમે જરાસંધનો વધ કર્યો
શ્રી કૃષ્ણ સાથે અર્જુન અને ભીમ મગધ પહોંચ્યા અહીં શ્રી કૃષ્ણ મહર્ષિ ગૌતમ એક ઉસીનર રાજ્યની એક શુદ્ર કન્યા સાથે વિવાહ કરીને કાક્ષીવાન જેવા મહાપ્રતાપી પુત્રોને જન્મ આપે છે તેની કથા કહે છે. શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમ બ્રાહ્મણ વેષ ધારણ કરીને જરાસંધના દરબારમાં પહોંચે છે. જરાસંધ સાથે શ્રી કૃષ્ણ એમ કહીને વાત કરે છે કે તેમની સાથે રહેલા બે બ્રાહ્મણ દિવસે મૌનવ્રત રાખે છે. તેઓ ફક્ત મધ્યરાત્રિએ જ મૌનવ્રત તોડે છે. જરાસંધ તેઓને યજ્ઞશાળામાં નિવાસ કરવાનું કહે છે. રાત્રે બ્રાહ્મણોનો સત્કાર કરવા પહોંચેલો જરાસંધ વિસ્મયથી બ્રાહ્મણોને બીજા સ્વરુપમાં જુએ છે. તે જુએ છે કે તેમના ખભા પર ધનુષની પ્રત્યંચાના નિશાન છે. ત્યારે તેમની સાચી ઓળખ આપવા કહે છે. આ વખતે શ્રી કૃષ્ણ તેમના આગમનનું સાચું કારણ જરાસંધને કહે છે. ત્યારે જરાસંધ તેમને પુછે છે કે તેમની સાથ જરાસંધને ન તો કોઈ દુશ્મની છે, ન તેમના માર્ગમાં જરાસંધ આવે છે, તો શા માટે તેઓ મલ્લયુદ્ધ માટે જરાસંધને લલકારે છે. ત્યારે શ્રી કૃષ્ણ જણાવે છે કે નરબલિ આપવો એ અમાનવીય કૃત્ય છે અને તેમ કરતાં રોકવું એ જ ધર્મ છે. જરાસંધ જે રાજાઓની બલિ ચડાવી સ્વયં મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતો હતો, તે રાજાઓને તે હરાવીને લાવતો હતો. તેમાં શું દોષ છે તેમ પુછતાં કૃષ્ણ સમજાવે છે કે ક્ષત્રિય યુદ્ધ કરે, બીજાને હરાવી તેમનો વધ કરે કે બંદી બનાવે તેમાં કોઈ અધર્મ નથી પરંતુ પુરુષોનો સતામણી અને નરબલિ એ ક્રૂરતા છે, અને માનવ બલિદાન માનવતા વિરુદ્ધ ગુનો છે. આવો ગુનો એ પાપ છે જે ભીમ, અર્જુન અને તેમના સહિત દરેકને સ્પર્શે છે. જરાસંધનું પાપ અન્યાય છે જેને પડકારવો જોઈએ. તેઓ તેને માનવ બલિદાન માટે નિર્ધારિત તમામ કેદીઓને મુક્ત કરવા અથવા દ્વંદ્વયુદ્ધના પડકારને સ્વીકરાવા કહે છે.[17] શ્રી કૃષ્ણ અને જરાસંધનો સંવાદ બાવીસમા અધ્યાયમાં છે. જરાસંધ ભીમને દ્વંદ્વ માટે પસંદ કરી તેઓના પડકારનો સ્વીકાર કરે છે. શ્રી કૃષ્ણ ભીમને ઉચિત યુદ્ધના સિદ્ધાંતના સમજાવે છે. ભીમ જરાસંધનો વધ કરે છે અને માનવ બલિ માટે કેદ કરેલા કેદીઓને મુક્ત કરે છે.
૫. દિગ્વિજય પર્વ (અધ્યાય: ૨૫-૩૧)
પાંડવો પોતાના સામ્રાજ્યના વિસ્તારાર્થે જુદી જુદી દિશાઓમાં પ્રયાણ કરે છે. અર્જુન ઉત્તરમાં જાય છે, ભીમ પૂર્વમાં, સહદેવ દક્ષિણમાં અને નકુલ પશ્ચિમમાં જઈ ઘણા પ્રદેશો જીતે છે. ત્યારબાદ યુધિષ્ઠિરને ધર્મરાજા જાહેર કરવામાં આવે છે. દિગ્વિજય પર્વમાં ભારતવર્ષની ભૂગોળ, જાતિઓ અને વિવિધ રાજ્યોનું વર્ણન આવે છે. અર્જુનનો સામનો હટાકના સામ્રાજ્ય સાથે થાય છે, જ્યારે ભીમ તામ્રલિપ્તમાં આવે છે. [18] [19]
૬. રાજસૂયિકા પર્વ (અધ્યાય: ૩૨-૩૪)
શ્રી કૃષ્ણ ભેટ સોગાદ સહિત ધર્મરાજ યુધિષ્ઠિરની મુલાકાત લે છે, તેની કથા રાજસૂયિકા પર્વમાં આવે છે. શ્રી કૃષ્ણનાં માર્ગદર્શનમાં રાજસૂય યજ્ઞની તૈયારી થાય છે.[7]
૭. અર્ઘ્યહરણ પર્વ (અધ્યાય: ૩૫-૩૮)
ચારે દિશાઓમાંથી રાજાઓ, ઋષિઓ અને મુલાકાતીઓ રાજસૂય યજ્ઞ માટે પધારે છે. યજ્ઞમાં શ્રી કૃષ્ણની અગ્રપૂજા કરવાનું ભીષ્મ સૂચન કરે છે. સૌ તેનો સહર્ષ સ્વીકારે છે. તદનુસાર સહદેવ શ્રીકૃષ્ણને અર્ઘ્ય અર્પણ કરે છે. આ જોઈને શિશુપાલ ગુસ્સે થઈ જાય છે. ભૂતકાળમાં તેની સાથે જેનાં લગ્ન થવાનાં હતાં, તે રુક્મિણીની ઈચ્છાવશ શ્રી કૃષ્ણએ તેનું અપહરણ કરીને વિવાહ કર્યા હતા. આ અપમાનની આગમાં સળગતા શિશુપાલને પોતાના મામાના દીકરા શ્રી કૃષ્ણનું સમ્માન સહન ન થયું. તે ભીષ્મ અને શ્રી કૃષ્ણનું અપમાન કરે છે. શ્રી કૃષ્ણ ચેતવે છે કે, તેઓ પોતાનાં સો અપમાન માફ કરશે, પણ જો શિશુપાલ તદપશ્ચાત પણ તેમનું અપમાન કરશે, તો તેઓ શિશુપાલનો વધ કરશે. ગર્વિષ્ઠ શિશુપાલ વિચારે છે કે આ ગોવાળીયો એક રાજપુત્રને શું નુકસાન કરી શકશે. આ વિચારે તે મદમાં ભાન ભૂલીને સીમા ઉલ્લંઘન કરે છે. યુધિષ્ઠિર સમાધાન અને શાંતિ મંત્રણાનો પ્રયાસ કરે છે. પરંતુ શિશુપાલનો કાળ તેની રાહ જોતો હોય, તેમ શિશુપાલ શ્રી કૃષ્ણ અને ભીષ્મનું અપમાન કર્યે જ જાય છે. છેવટે શ્રી કૃષ્ણ સુદર્શન ચક્રથી તેનો શિરચ્છેદ કરે છે.
૮. શિશુપાલ-વધ પર્વ (અધ્યાય: 39-44)
આ ઉપપર્વ વર્ણવે છે કે શા માટે શ્રી કૃષ્ણ પ્રથમ શિશુપાલ સાથે લડવાનો ઇનકાર કરે છે, પરંતુ અંતે રાજસૂય યજ્ઞ દરમિયાન સભામંડપમાં તેને મારી નાખે છે.
દ્રૌપદીને દ્યુતક્રીડાંગણમાં લાવવામાં આવે છે.
૯. દ્યુત પર્વ (અધ્યાય: ૪૫-૭૩)
દુર્યોધનના મામા શકુનિ, તેને સલાહ આપે છે કે પાંડવ ભાઈઓને યુદ્ધમાં હરાવી શકાય તેમ નથી. યુધિષ્ઠિરની નબળાઈ, દ્યુત, તેમને હરાવવાનો એકમાત્ર રસ્તો છે. દ્યુત પ્રત્યેનો તેમના શોખનો દૂરુપયોગ કરવો તે જ એકમાત્ર રસ્તો છે. દુર્યોધને ધૃતરાષ્ટ્રને પાસાની રમત પર યુધિષ્ઠિરની નબળાઈનો લાભ લેવા કહ્યું. તેઓ શકુનિને યુધિષ્ઠિરને લલચાવવા અને હરાવવા કહે છે. શકુનિએ યુધિષ્ઠિરને ચોસરની રમત માટે ઉશ્કેર્યો. યુધિષ્ઠિર જુગાર માટે અનિચ્છા દર્શાવે છે. શકુનિ તેની મશ્કરી કરે છે. યુધિષ્ઠિર પ્રપંચી શકુનિની જાળમાં ફસાઈ જાય છે અને દ્યુતક્રીડાના આમંત્રણનો સ્વીકાર કરે છે. યુધિષ્ઠિર એક પછી એક તેમનું સામ્રાજ્ય, તેમના ભાઈઓ, પોતે, અને અંતે ચરમ સીમા પર તેમની પત્નીને પાસાની રમતમાં દાવ પર લગાવે છે. દુર્યોધન તરફથી પાસા ફેંકતા કપટી શકુનિ બધું જીતે છે. રજસ્વલા દ્રૌપદીને દ્યુત મંડપમાં ખેંચીને લઈ આવવામાં આવે છે. દ્યુતભવનમાં દુઃશાસન તેનું વસ્ત્રાહરણ કરે છે, પરંતુ નૈપથ્યમાંથી શ્રી કૃષ્ણ તેમની ધર્મની માનેલી બહેન કૃષ્ણા(દ્રૌપદીનું બીજું નામ, જે સૂચવે છે કે તે કૃષ્ણની બહેન છે)ની રક્ષા કરે છે. અસ્વસ્થ દ્રૌપદીએ રમત પર સવાલ ઉઠાવ્યા, દલીલ કરી કે તેણી યુધિષ્ઠિરની સંપત્તિ નથી કે તેઓ દ્રૌપદીને દાવ પર લગાવે. યુધિષ્ઠિર અને ધૃતરાષ્ટ્ર સહિત ત્યાં હાજર બધા સહમત છે. જુગારની આખી રમતને અમાન્ય જાહેર કરવામાં આવે છે, યુધિષ્ઠિર જે ગુમાવ્યું હતું તે બધું પાછું મેળવી લે છે. [7] [20]
૧૦. અનુદ્યુત પર્વ (અધ્યાય: ૭૪-૮૧) [8] [21]
યુધિષ્ઠિરને ચોસરની રમતના ફક્ત એક દાવ માટે તુરત જ ફરીથી આમંત્રિત કરવામાં આવે છે, યુધિષ્ઠિર ફરી પોતાની આદત સામે વિવશ બનીને આમંત્રણ સ્વીકારે છે અને તેઓ એક દાવ માટે રમે છે. દુર્યોધન હસ્તિનાપુરનું સામ્રાજ્ય અને યુધિષ્ઠિર ઈન્દ્રપ્રસ્થનું રાજ્ય દાવ લગાવે છે. વળી, રમતમાં એક દાવ એ પણ લગાવવામાં આવે છે, કે જે હારે તે ૧૨ વર્ષનો દેશનિકાલ ભોગવે અને તેરમું વર્ષ અજ્ઞાતવાસ ભોગવે. જો પહેલાં બાર વર્ષ દરમિયાન તેઓ રાજ્યની સીમામાં પ્રવેશે કે તેરમા વર્ષે જો તેમની ઓળખ થઈ જાય, તો આ તેર વર્ષની શરત ફરી નવેસરથી અમલમાં આવે. યુધિષ્ઠિર ફરી હારી ગયા. પાંડવ ભાઈઓ વનવાસમાં જાય છે. ધૃતરાષ્ટ્ર સત્તા પર આવે છે. ઋષિઓ ધૃતરાષ્ટ્રને સમજાવે છે, કે તેઓ તેને પાંડવો સાથે સંધિ કરીને પિતરાઈ રાજકુળ વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે સલાહ આપે છે. પુત્ર મોહમાં અંધ ધૃતરાષ્ટ્રે આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો.[3] દાર્શનિક વિદ્વાનોએ [1] ઘણી વાર એ પ્રશ્ન કર્યો છે કે યુધિષ્ઠિર ધર્મરાજા, જેમની પાસે આટલું મોટું સામ્રાજ્ય હતું, જેમનું ચરિત્ર અત્યાર સુધીના પર્વોમાં નૈતિકતાથી ભરેલું હતું, જેમણે પોતાના શાસનની ધુરીનું વહન ધર્મ, અર્થ અને કામથી રત રહીને વહન કર્યું હતું, તે અચાનક જુગારનો ભોગ બને છે. દાર્શનિકોને આ પ્રશ્ન કાયમ પજવતો રહ્યો છે.

અંગ્રેજી અનુવાદો

અંગ્રેજીમાં સંસ્કૃત સભા પર્વના અનેક અનુવાદો ઉપલબ્ધ છે. ૧૯મી સદીના બે અનુવાદો, જે હવે જાહેર ક્ષેત્રે છે, તે કિસારી મોહન ગાંગુલી [7] અને મનમથ નાથ દત્તના છે.[3] અનુવાદો ભાગોમાં સુસંગત નથી, અને દરેક અનુવાદકના અર્થઘટન સાથે બદલાય છે.

દેવર્ષિ નારદની પાંડવો સાથેની મુલાકાતનું વર્ણન સભા પર્વના અધ્યાય ૫માં કરવામાં આવ્યું છે. તેમની મુલાકાતમાં, તેમણે વહીવટ અને શાસનના સિદ્ધાંત, શાંતિ અને યુદ્ધ સંધિઓના નિયમો, ચેમ્પિયન્સ મુક્ત વેપાર અને મંત્રીઓ પર તપાસ, પીડિત લોકો અને વિકલાંગ નાગરિકોને સમર્થન, ન્યાયી કાયદાની જરૂરિયાત અને પક્ષપાત વિના બધા માટે સમાન ન્યાયની રૂપરેખા આપી. એક સમૃદ્ધ સામ્રાજ્ય. નારદજી (ઉપર ચિત્રમાં)ને સંગીતના સાધન વીણાના શોધક તરીકે ગણવામાં આવે છે; મહાભારતમાં, તેમને કલા, ઇતિહાસ અને જ્ઞાનને સમર્પિત અત્યંત પ્રતિભાશાળી વિદ્વાન તરીકે દર્શાવવામાં આવ્યા છે.

સંદર્ભ

 1. 1 2 3 4 van Buitenen, J. A. B. (1978) The Mahabharata: Book 2: The Book of the Assembly Hall; Book 3: The Book of the Forest. Chicago, IL: University of Chicago Press
 2. Ganguli, K.M. (1883-1896) "Sabha Parva" in The Mahabharata of Krishna-Dwaipayana Vyasa (12 Volumes). Calcutta
 3. 1 2 3 4 5 6 Dutt, M.N. (1895) The Mahabharata (Volume 2): Sabha Parva. Calcutta: Elysium Press
 4. van Buitenen, J.A.B. (1973) The Mahabharata: Book 1: The Book of the Beginning. Chicago, IL: University of Chicago Press, pp 475-476
 5. Debroy, B. (2010) The Mahabharata, Volume 1. Gurgaon: Penguin Books India, pp xxiii - xxvi
 6. Monier Williams (1868), Indian Epic Poetry, University of Oxford, Williams & Norgate - London, page 23
 7. 1 2 3 4 5 Sabha Parva Mahabharata, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1884)
 8. 1 2 3 Paul Wilmot (Translator, 2006), Mahabharata Book Two: The Great Hall, ISBN 978-0814794067, New York University Press
 9. "Mahābhārata (Table of Contents)". The Titi Tudorancea Bulletin. મેળવેલ 2021-03-01.
 10. Sabha Parva Mahabharata, Translated by Manmatha Nath Dutt (1894); Chapter 5, verses 16-110, 114-125
 11. Sabha Parva Mahabharata, Translated by Manmatha Nath Dutt (1894); Chapter 5, verses 16-110, 114-125
 12. Sabha Parva Mahabharata, Translated by Manmatha Nath Dutt (1894), page 6-10
 13. Civilians in the enemy territory should not be harmed during war; Narada asks, "Do you attack your enemies in battle, without harming sowing and harvesting in their country?"; J. A. B. van Buitenen (Translator), The Mahabharata, Volume 2, 1981, ISBN 978-0226846644, page 12
 14. Civilians in the enemy territory should not be harmed during war; Narada asks, "Do you attack your enemies in battle, without harming sowing and harvesting in their country?"; J. A. B. van Buitenen (Translator), The Mahabharata, Volume 2, 1981, ISBN 978-0226846644, page 12
 15. J. A. B. van Buitenen (Translator), The Mahabharata, Volume 2, 1981, ISBN 978-0226846644, page 11
 16. E. Washburn Hopkins (1898), Parallel features in the two Sanskrit Epics, The American Journal of Philology, 19, pages 138-151
 17. Sabha Parva Mahabharata, Translated by Manmatha Nath Dutt (1894), page 33
 18. Rönnow, Kasten (1929). "Some Remarks on Śvetadvīpa". Bulletin of the School of Oriental Studies, University of London. 5 (2): 256 JSTOR વડે.
 19. Hopkins, E. Washburn (September 1910). "Mythological Aspects of Trees and Mountains in the Great Epic". Journal of the American Oriental Society. 30 (4): 364 JSTOR વડે.
 20. J. A. B. van Buitenen (Translator), The Mahabharata, Volume 2, 1981, ISBN 978-0226846644, pages 29-30
 21. Sabha Parva Mahabharata, Translated by Manmatha Nath Dutt (1894); Chapter 5, verses 16-110, 114-125
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.