શ્રીમદ્ ભગવદ્ ગીતાહિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે.[1] ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાંં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે. હિંદુ ધર્મનાં ઘણા ધર્મગ્રંથો છે, પરંતુ ગીતાનું મહત્ત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે.[2]

મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે, જેમાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકો છે. પૂરી ગીતા, થોડા શ્લોકોના અપવાદ સિવાય, અનુષ્ટુપ છંદમાં છે. ગીતાનો સમયકાળ આશરે ઇ.સ. પૂર્વે ૩૦૬૬નો માનવામાં આવે છે.

પૃષ્ઠભૂમિ

હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલું મહાભારતના યુદ્ધનું શિલ્પ - અર્જુન અને શ્રીકૃષ્ણ

ભારતના બે આદિગ્રંથો પૈકીનું મહાભારત મહર્ષિ વેદવ્યાસે રચેલું છે. મહાભારત પાંડવો અને કૌરવો વચ્ચેના રાજકીય કાવાદાવા, સ્પર્ધા, અને અંતે યુદ્ધની કથા છે. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક, અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બન્ને સેના વચ્ચે લેવાનું કહે છે. બન્ને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો. યુદ્ધના પરિણામોથી તે ભયભીત થઈ, યુદ્ધ ન કરવાના વિચારો કરવા લાગ્યો. તેના હાથમાંથી ધનુષ પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે અને કોઈ માર્ગ ન સૂઝતાં કૃષ્ણને માર્ગદર્શન માટે પૂછે છે. અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે. તે અઢાર અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત છે.

ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. ગીતા મુજબ માનવ-જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે. યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે.

ગીતા કોઈ સામાન્ય ધર્મગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે.

અધ્યાય

કાશ્મીરમાંથી મળી આવેલું, ૬ઠી સદીનું માનવામાં આવતું શ્રીકૃષ્ણનું વિશ્વરુપ દર્શાવતું શિલ્પ

ગીતાના અધ્યાયોનાં નામ મહાભારતમાં આપ્યા નથી પરંતુ પાછળથી કદાચ શંકરાચાર્યએ અધ્યાયોને નામ આપ્યા. અમુક ભાષ્યકારોએ ગીતાને ત્રણ ભાગમાં વહેંચી છે, જે છે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. ગીતાના અધ્યાયો અને વિભાગોના પ્રચલિત નામો નીચે મુજબ છે.

  1. કર્મયોગ
    1. અર્જુનવિષાદ યોગ
    2. સાંખ્ય યોગ
    3. કર્મ યોગ
    4. જ્ઞાનકર્મસંન્યાસ યોગ
    5. કર્મસંન્યાસ યોગ
    6. આત્મસંયમ યોગ
  2. ભક્તિયોગ
    1. જ્ઞાનવિજ્ઞાન યોગ
    2. અક્ષરબ્રહ્મ યોગ
    3. રાજવિધ્યારાજગુહ્ય યોગ
    4. વિભૂતિ યોગ
    5. વિશ્વરૂપદર્શન યોગ
    6. ભક્તિ યોગ
  3. જ્ઞાનયોગ
    1. ક્ષેત્રક્ષેત્રજ્ઞ યોગ
    2. ગુણત્રયવિભાગ યોગ
    3. પુરુષોત્તમ યોગ
    4. દેવાસુરસંપદ્વિભાગ યોગ
    5. શ્રદ્ધાત્રયવિભાગ યોગ
    6. મોક્ષસંન્યાસ યોગ

ભાષાંતરો અને વિવેચનો

  1. શાંકરભાષ્ય શંકરાચાર્ય સંસ્કૃતભાષા
  2. ૧૩મી સદીમાં સંત જ્ઞાનેશ્વરે મરાઠીમાં બધાને સમજાય તેવી ભાષામાં જ્ઞાનેશ્વરી ગીતા લખી.
  3. લોકમાન્ય તિલકે ગીતારહસ્ય લખ્યું.
  4. સ્વામી વિવેકાનંદે ભક્તિયોગ, જ્ઞાનયોગ અને રાજયોગ પર પ્રવચન આપેલા છે. રાજયોગમાં પતંજલિ યોગસૂત્ર પરના પ્રવચનો છે.
  5. મહાત્મા ગાંધીએ અનાસક્તિયોગ - ગીતાનો ગુજરાતીમાં અનુવાદ લખ્યો.
  6. ૧૮મી સદીમાં વોરન હેસ્ટીંગ્સે ચાર્લ્સ વિલ્કિન્સ પાસે ભગવદ્ ગીતાનો અનુવાદ અંગ્રેજીમાં કરાવ્યો અને ૧૭૮૫માં પ્રકાશિત કર્યો. આ અનુવાદ અંગ્રેજીમાં પ્રથમ ગણાય છે.
  7. સરળ ગીતા - શ્રી યોગેશ્વરજી દ્વારા ભગવદ્ ગીતાનો ગુજરાતી પદ્યાનુવાદ.
  8. સાધક સંજીવની - શ્રી રામસુખદાસજી દ્વારા ભગવદ્ ગીતા ટીકા
  9. હિન્દી પદ્યાનુવાદ - શ્રી મુક્તાનંદ સ્વામી ભગવદ્ ગીતા ભાષા ટીકા
  10. ગીતામૃતમ્ - શ્રી પાંડુરંગ વૈજનાથ આઠવલે દ્વારા ગીતા તેના સાચા અર્થમાં
  11. ઇસ્કોન સંસ્થાપક શ્રી એ. સી. ભક્તિ વેદાંત  સ્વામી પ્રભુપાદએ અંગ્રેજીમાં Bhagavad Gita as it is (ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ) નામે ભાષાંતર અને ટિપ્પણી લખી જેનો ગુજરાતીમાં અનુવાદ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે નામે થયો છે અને અન્ય ભાષાઓમાં પણ આ પુસ્તક ભાષાંતરિત થયું છે.
  12. ઍડવીન આર્નોલ્ડે પણ ગીતાનો અનુવાદ અંગ્રેજીમાં કર્યો તેનુંં નામ છે - ધ સોંગ સેલેશીયલ
  13. સ્કલેગેલે ગીતાનો લેટીનમાં અનુવાદ ૧૮૨૩માં કર્યો.
  14. વૉન હમબોલ્ટે ગીતાનો જર્મનમાં અનુવાદ ૧૮૨૬માં કર્યો.
  15. લેસેન્સે ગીતાનો અનુવાદ ફ્રેન્ચમાં ૧૮૪૬માં કર્યો.
  16. ગાલાનોસે ગીતાનો અનુવાદ ગ્રીકમાં ૧૮૪૮માં કર્યો.

સંદર્ભ

  1. "The Hidden Truths in the Bhagavad Gita". www.yogananda-srf.org. મેળવેલ 2017-12-09.
  2. Krisnakunj

બાહ્ય કડીઓ

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.