મત્સ્ય કન્યા સત્યવતીને મનાવતા શંતનુ. ચિત્રકાર રાજા રવિ વર્મા.

હિંદુ ધર્મના પૌરાણિક શાસ્ત્રો પૈકીના મહાગ્રંથ મહાભારતમાં વર્ણવ્યા અનુસાર હસ્તિનાપુર નરેશ શંતનુ (સંસ્કૃતઃ शान्तुनः) ભરત વંશના પ્રતાપી રાજા હતા. તેઓ પાંડવો તથા કૌરવોના પૂર્વજ પણ હતા. શંતનુનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. તેઓ હસ્તિનાપુરના રાજા પ્રતિપાને ત્યાં પાછલી જીંદગીમાં સૌથી નાના પુત્ર તરીકે જન્મ્યા હતા. તેમના સૌથી મોટા ભાઈ દેવપીએ રોગથી પિડાઇને સંન્યાસ લીધો હતો તથા વચ્ચેના ભાઈની સમગ્ર આર્યાવ્રતની ભૂમિ જીતવાની નેમને લીધે શંતનુ હસ્તિનાપુરના રાજા થયા. રાજા પ્રતિપાએ તપ દ્વારા ઇન્દ્રિયોને શાંત કર્યા પછી પુત્ર પ્રાપ્ત થયો હતો, માટે તેનું નામ શંતનું રાખવામાં આવ્યું હતું.

પૂર્વ જન્મ

મહાભારત મુજબ તેઓ ઇશ્વાકુ વંશના મહા પ્રતાપી રાજા મહાભિષેક માનવામાં આવે છે. તેઓએ મહાન યજ્ઞો વડે દેવતાઓની સાથે સ્થાન પ્રાપ્ત કર્યું. જ્યારે તેઓને ઇન્દ્રની સભામાં ગંગાની સાથે વિકારી અવસ્થામાં જોવામાં આવ્યા, ત્યારે તેમને મૃત્યુલોકમાં જન્મ લેવાનો શ્રાપ મળ્યો હતો.

શંતનુ અને ગંગા

ગંગા નદીના કિનારે એકવાર શંતનુએ ગંગાને જોયા અને તેના રુપ પર મોહિત થયા. શંતનુએ ગંગા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો, પરંતુ ગંગાએ પ્રસ્તાવ સ્વિકાર કરતા પહેલાં શરત રજુ કરી કે શંતનુએ કોઇ દિવસ ગંગાને કોઇ પણ પ્રકારનો પ્રશ્ન કરવો નહી અને જો શંતનુ શરત ભંગ કરશે તો ગંગા ફરીથી દેવલોકમાં જતી રહેશે. આમ શંતનુ અને ગંગાના લગ્ન થયા અને ગંગાએ પુત્રને જન્મ આપ્યો અને જન્મ આપતાની સાથે જ તે બાળકને પાણીમાં ડુબાડી દીધો. શંતનુ શરતથી બંધાયેલા હોવાથી કશું જ બોલી શક્યા નહીં. આમ એક એક કરતાં ગંગાએ તેના સાત પુત્રોને ડુબાડી દીધા. પરંતુ જ્યારે આઠમા પુત્રને ડુબાડતી વખતે શંતનુની ધીરજ ખુટી ગઇ અને તેણે ડુબાડવા પાછળનું કારણ પુછ્યું અને બાળકને ડુબાડતો અટકાવ્યો. આમ શરત મુજબ ગંગા બાળકને મુકીને દેવલોક સિધાવી ગયા. આ બાળક પરમ પ્રતાપી ભીષ્મ હતો.

વાસ્તવમાં આ બધા બાળકો વસુના અવતાર હતા અને આઠમા વસુને જીવન જીવવાનો શ્રાપ મળ્યો હતો. આજ કારણે ગંગા પોતાના પુત્રોને ડુબાડતા હતા.

શંતનુ અને સત્યવતી

જ્યારે ભીષ્મ મોટા થયા ત્યારે તેમને હસ્તિનાપુરના યુવરાજ બનાવવામાં આવ્યા. આ સમય દરમિયાન શંતનુ નાવિકની કન્યા સત્યવતીના પ્રેમમાં પડ્યા અને તેના પિતા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. પરંતુ સત્યવતીના પિતાએે વિવાહ માટે શરત મુકી કે જો સત્યવતીનું સંતાન રાજા બને તો જ તેઓ પોતાની પુત્રિ સત્યવતિને શંતનુ સાથે પરણાવશે.

પોતાના પ્રિય પુત્ર ભીષ્મને યુવરાજ બનવી ચુક્યા હોવાથી શંતનુ આ શરતનો સ્વિકાર કરી શક્યા નહી, પરંતુ તેઓ રાત-દિવસ ઉદાસ રહેવા લાગ્યા. ભીષ્મને આ વાતની ખબર પડતા તેમણે સત્યવતિના પિતાને વચન આપ્યું કે તેઓ રાજપદ જતું કરવા તૈયાર છે. આમ છતાં, જ્યારે સત્યવતિના પિતએ ભવિષ્યની પેઢી પ્રતિ શંકા દર્શાવી તો ભીષ્મએ આ જીવન બ્રહ્મચર્યની કઠોર પ્રતિજ્ઞા લીધી.

લગ્ન પછી શંતનુ અને સત્યવતીને બે પુત્રો થયા. જેમનું નામ ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય રાખવામાં આવ્યું.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.