વિશ્વભરના દરેક સમાજમાં પુરુષ અને સ્ત્રીના સહજીવનની શરુઆતની વિધિને લગ્ન (અંગ્રેજી: Marriage) ઓળખવામાં આવે છે. લગ્નપ્રથા આદિકાળથી ચાલતી આવી છે, જેમાં જ્ઞાતિમાં કે આંતરજ્ઞાતિય લગ્નો થાય છે. લગ્ન એ સમાજનું એક અંગ છે અને આધુનિક વિચારકો લગ્નને એક સંસ્થાન તરીકે ગણાવે છે.

હિંદુ પરંપરા મુજબ લગ્નને વિવાહ સંસ્કાર કહેવામાં આવે છે, જે વ્યક્તિને એના જીવનમાં આપવામાં આવતા સોળ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર છે. લગ્ન પછીના સહજીવનમાં સ્ત્રી જે પુરુષ સાથે વિવાહ સંસ્કારથી જોડાઈ હોય એની પત્ની અને પુરુષ જે સ્ત્રી સાથે વિવાહ સંસ્કારથી જોડાયો હોય એના પતિ તરીકે ઓળખાય છે.

હિન્દુ ધર્મમાં લગ્ન

હિન્દુ લગ્ન બે વ્યક્તિઓ (મોટે ભાગે પુરુષ અને સ્ત્રી) ને અનંતકાળ માટે સુમેળ આપે છે, જેથી તેઓ ધર્મ (જવાબદારી / ફરજો), અર્થ (ધન) અને કામને અનુસરી શકે. તે જીવનસાથી તરીકે બે વ્યક્તિઓનું જોડાણ છે, અને જીવનભર સાતત્ય દ્વારા ઓળખાય છે. હિન્દુ ધર્મમાં, લગ્ન પછી સહજીવન માટે કોઈ ધાર્મિક વિધિઓ અનુસરવામાં આવતી નથી. હકીકતમાં, લગ્ન સહજીવન વિના પણ સંપૂર્ણ અથવા માન્ય માનવામાં આવે છે, કારણ કે લગ્ન બે આત્માઓ વચ્ચે છે અને તે શરીરથી પર છે. તે બે પરિવારોને પણ જોડે છે. આ પ્રસંગ માટે અનુકૂળ રંગો સામાન્ય રીતે લાલ અને સોનેરી હોય છે.

લગ્નની ગોઠવણ

પૂજારીની મદદથી પુત્ર/પુત્રીના મેળ કરવા માટે જાતક અથવા જન્મ કુંડળી (જન્મ સમયે જ્યોતિષીય ચાર્ટ) નો ઉપયોગ સામાન્ય છે, પરંતુ સાર્વત્રિક નથી. માતા-પિતા તમિલમાં 'જોથીદાર' અથવા તેલુગુમાં 'પંથુલું અથવા સિદ્ધાંતી' અને ઉત્તર ભારતમાં 'કુંડળી મિલાન' કહેવાતા બ્રાહ્મણ પાસેથી સલાહ લે છે, જે ઘણા લગ્નેચ્છુક લોકોની વિગતો ધરાવે છે. કેટલાક સમુદાયો, જેમ કે મિથિલાના બ્રાહ્મણો, નિષ્ણાતો દ્વારા જાળવવામાં આવતા વંશાવળી રેકોર્ડ ("પંજિકાઓ") નો ઉપયોગ કરે છે.

જન્મ સમયે તારાઓ અને ગ્રહોની ગોઠવણના આધારે જાતક અથવા કુંડળી દોરવામાં આવે છે. કોઈપણ મેળાપ માટે મહત્તમ 36 ગુણાંકો અને મેળાપ માટે ન્યૂનતમ 18 ગુણાંકો છે. [1] 18થી ઓછા ગુણાંકો સાથેના કોઈપણ યુગલને સુમેળભર્યા સંબંધો માટે શુભ મેળાપ માનવામાં આવતો નથી, પરંતુ તે લોકોની ઉદારતા પર નિર્ભર કરે છે કે તેઓ ઈચ્છે તો હજી પણ લગ્ન કરી શકે છે. જો બે વ્યક્તિઓ (પુરુષ અને સ્ત્રી)ની કુંડળી ગુણાંકોમાં આવશ્યક ગુણ પ્રાપ્ત કરે છે, તો સંભવિત લગ્ન માટે આગળની વાટાઘાટો કરવામાં આવે છે. તેમજ પુરુષ અને સ્ત્રીને એકબીજા સાથે વાત કરવાની અને સમજવાની તક આપવામાં આવે છે. એકવાર સમજૂતી થઈ જાય પછી લગ્ન થવા માટે શુભ સમયની પસંદગી કરવામાં આવે છે.

તાજેતરના વર્ષોમાં, ભારતમાં ડેટિંગ સંસ્કૃતિની શરૂઆત સાથે, ગોઠવાયેલા લગ્ન અને જન્માક્ષરના વિશ્લેષણમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, જેમાં સંભવિત વર અને કન્યા પોતાના જીવનસાથીને જાતે પસંદ કરવાનું પસંદ કરે છે અને નહીં કે તેમના માતાપિતા પસંદ કરે તે જ. ગ્રામીણ પ્રદેશો કરતા શહેરી અને પરા વિસ્તારોમાં આ વધુ જોવા મળે છે. આજે હિંદુઓમાં લગ્નની સંસ્કૃતિ પ્રેમ-ગોઠવેલા લગ્ન અથવા ગોઠવેલા-પ્રેમ લગ્નની આવી નવી સંકલ્પના છે.

લગ્નના આઠ પ્રકાર

હિંદુ સાંકેતિક લગ્ન: ભાગી ગયેલા દંપતી એક ઝાડ નીચે માળાની આપ-લે કરે છે. સૌગંધિકા પરિણયનું ચિત્રણ
એમ. વી. ધુરંધરનું હિન્દુ લગ્ન સમારોહનું એક ચિત્ર

હિન્દુ ધર્મ અનુસાર લગ્નના આઠ પ્રકાર હોય છે. બધાને ધાર્મિક મંજૂરી નથી. [2]

આઠ પ્રકાર છે:

 1. બ્રહ્મ વિવાહ - બ્રહ્મ લગ્ન, વેદ ભણેલા, અને સ્વયં દ્વારા આમંત્રિત સારા વર્તન વાળા માણસની સાથે પોતાની દીકરીના લગ્ન છે. બ્રહ્મ લગ્ન એ છે કે જ્યાં કોઈ છોકરો પોતાનું વિદ્યાર્થી જીવન અથવા બ્રહ્મચર્ય પૂર્ણ કર્યા પછી લગ્ન કરી શકે છે. બ્રહ્મ વિવાહ આઠ પ્રકારનાં હિન્દુ લગ્નમાં સર્વોચ્ચ પદ ધરાવે છે. જ્યારે છોકરાના માતાપિતા કોઈ છોકરીની શોધ કરે છે, ત્યારે તેઓ તેણીના કુટુંબની પૃષ્ઠભૂમિ ધ્યાનમાં લે છે, પરંતુ છોકરીના પિતા તેની ખાતરી કરશે કે જે દીકરીને લગ્ન કરવા ઇચ્છે છે તે છોકરાને વેદોનું જ્ઞાન છે. દહેજની વ્યવસ્થા નહીં પણ આ બાબતો જ બ્રહ્મ લગ્નનો આધાર છે. આ પ્રકારના લગ્નમાં દહેજને પાપ માનવામાં આવે છે.
 2. દૈવ વિવાહ - લગ્નનો પ્રકાર કે જેને હલકી ગુણવત્તાવાળા માનવામાં આવે છે કારણ કે તે સ્ત્રીત્વ માટે અપમાનજનક છે. આ તે છે જ્યાં સ્ત્રીના પરિવારજનો તેના લગ્ન માટે ચોક્કસ સમય સુધી રાહ જોશે. જો તેણીને યોગ્ય વર ન મળે, તો તેણીના લગ્ન બ્રાહ્મણ વડે શોધેલા મેળમાંથી કુટુંબ દ્વારા પસંદ કરેલા છોકરા સાથે કરવામાં આવશે. પ્રાચીન સમયમાં ઘણા રજવાડાઓ દ્વારા મિત્રો અને દુશ્મનો સાથે રાજકીય સંબંધો બનાવવાની આ પ્રથા હતી.
 3. આર્ષ વિવાહ - આર્ષ લગ્ન એવા લગ્ન છે જેમાં છોકરીના ઋષિ સાથે લગ્ન કરવામાં આવે છે. કન્યાને કેટલીક ગાયોના બદલામાં આપવામાં આવતી. અગસ્ત્યે લોપામુદ્રા સાથે આ રીતે લગ્ન કર્યા. રાજાઓ ઘણીવાર સમાજમાં શક્તિ ધરાવતા અને ઊંચું સ્થાન ધરાવતા ઋષિ મુનિઓને નકારી શકતા નહીં અને તેથી મહાભારતમાં અસંખ્ય કથાઓ જે આ પ્રથાને ચિત્રિત કરે છે.
 4. પ્રજાપત્ય વિવાહ - પ્રજાપત્ય તે વિવાહ છે જ્યારે કોઈ છોકરીના પિતા તેને વરરાજા સાથે લગ્નમાં કરાવે છે, તેની સાથે આદરપૂર્વક વર્તે છે અને તેમને સંબોધન કરે છે: 'તમે બંને એક સાથે તમારી ફરજો બજાવી શકો'. બ્રહ્મ લગ્નથી વિપરીત, પ્રજાપત્ય લગ્ન તે છે જ્યાં કન્યાના પિતા વરની શોધમાં જાય છે, જોકે, આને વરરાજાના માતાપિતા શ્રેષ્ઠ કન્યાની શોધ કરતા હોય તેટલું સારું માનવામાં આવતું નથી. ઉપરાંત, આર્ષ લગ્નથી વિપરીત, નાણાકીય વ્યવહાર એ પ્રજાપત્ય લગ્નનો ભાગ નથી.
 5. ગાંધર્વ વિવાહ - એક કુંવારી છોકરી અને તેના પ્રેમીના આપમેળે જોડાણને ગાંધર્વ વિવાહ કહેવામાં આવે છે. આધુનિક 'પ્રેમ' લગ્ન ગંધર્વ લગ્નને ખૂબ સમાન છે. આ તે વિવાહ છે જ્યાં છોકરો અને કન્યા તેમના માતાપિતાના જ્ઞાન અથવા મંજૂરી વિના લગ્ન કરી શકે છે. દુષ્યંતે શકુંતલા સાથે આ રીતે લગ્ન કર્યા. નોંધો કે આ માત્ર ડેટિંગ જેટલું નથી. અહીં કન્યા અને વરરાજા કોઈ પણ ક્રિયા કરતા પહેલા, કોઈ વ્યક્તિ, પ્રાણી, ઝાડ, છોડ અથવા દેવની ઉપસ્થિતિમાં પ્રતિજ્ઞા લે છે.
 6. અસુર વિવાહ - અસુર વિવાહ ત્યારે થાય છે જ્યારે વરરાજા સ્વેચ્છાએ કન્યા અને તેના સંબંધીઓને પોતે જેટલી આપી શકે એટલી સંપત્તિ આપ્યા પછી તેને કન્યા મળે છે. અસુર લગ્ન લગ્નના અન્ય પ્રકારોથી અલગ છે. આ એક લગ્નસંબંધ છે જ્યાં વર ઘણીવાર કન્યા સાથે સુસંગત ન હોય અને થોડી વિકલાંગતા પણ ધરાવતો હોય છે, પરંતુ વરની ઇચ્છા અને સંપત્તિ અને કન્યાના પિતાના લોભ અથવા જરૂરિયાત સાથે મળીને આ લગ્ન થાય છે. હંમેશા આ પ્રકારના લગ્નને નીચું માનવામાં આવતું હતું. આધુનિક સમયમાં આ અસ્વીકાર્ય છે કારણ કે તે કોઈ પણ વસ્તુને દુકાનમાંથી ખરીદવા સમાન છે અને સામાન્ય ભારતીય કાયદાની વિરુદ્ધ છે.
 7. રાક્ષસ વિવાહ - રાક્ષસ વિવાહ એ એક છોકરીનું લગ્ન છે જેમાં તેણીના ઘરેથી તેણીનું બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હોય, જ્યારે તેના સગાઓ માર્યા ગયા હોય અથવા ઘાયલ થયા હોય. કઝાક અને ઉઝ્બેક સંસ્કૃતિઓમાં તે હજી પણ એક ધાર્મિક વિધિ તરીકે પ્રચલિત છે. વરરાજા દુલ્હનના કુટુંબને તેની સાથે યુદ્ધ લડવાની ફરજ પાડશે, તેમને હરાવશે અને કન્યાને તેની સાથે લઇ જઈને મનાવીને લગ્ન કરશે. તેમાં બળના ઉપયોગને કારણે આ લગ્ન આધુનિક પરિમાણમાં બળાત્કાર જ છે, અને તે ક્યારેય યોગ્ય માનવામાં આવતું નહોતું - તેથી તેનું નામ રાક્ષસ વિવાહ છે. મનુસ્મૃતિમાં પાપ તરીકે આની નિંદા કરવામાં આવી છે. આધુનિક સમયમાં તે ગુનો છે. અર્જુનના સુભદ્રા સાથેના લગ્ન આના જેવું દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ હકીકતમાં તે એક ગાંધર્વ લગ્ન હતું કારણ કે તે બંને પહેલેથી પ્રેમમાં પડેલા હતા અને સુભદ્રાના ભાઈ શ્રી કૃષ્ણની તેમાં સંમતિ હતી, જેમણે બલરામના વિરોધને રોકવા માટે આ રસ્તો સૂચવ્યો હતો.
 8. પૈશાચ વિવાહ - જ્યારે ચોરી-છુપીથી કોઈ વ્યક્તિ સૂતી, નશો કરેલી અથવા માનસિક વિકલાંગ છોકરીને ફસાવે છે, ત્યારે તેને પેશાચ લગ્ન કહેવામાં આવે છે. મનુસ્મૃતિમાં પાપ તરીકે આની નિંદા કરવામાં આવી છે. આધુનિક સમયમાં આને ડેટ બળાત્કાર કહેવામાં આવે છે અને મોટાભાગના સંસ્કારી દેશોમાં તે ગુનો છે. [3]

લગ્ન

ગતિમાન હિન્દુ લગ્ન સમારોહ

લગ્ન સમારોહ મોંઘા હોઈ શકે છે, અને તેનો ખર્ચ સામાન્ય રીતે માતા-પિતા દ્વારા ઉઠાવવામાં આવે છે. મધ્યમ અથવા ઉચ્ચ વર્ગના લગ્ન માટે 500 થી વધુ લોકોની મહેમાન સૂચિ હોવી તે અસામાન્ય નથી. મોટે ભાગે, જીવંત સંગીતના સાધનોનું બેન્ડ વગાડવામાં છે. વૈદિક વિધિ કરવામાં આવે છે અને પછી પરિવાર અને મિત્રો દંપતીને આશીર્વાદ આપે છે. આમંત્રિતોને ઘણી વાનગીઓ પીરસવામાં આવે છે. ભારતના જુદા-જુદા ભાગોમાં પ્રથાઓના આધારે લગ્નની ઉજવણીમાં એક અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે.

હિન્દુ લગ્ન અને ધાર્મિક વિધિના પ્રકારો

તિહાસિક દ્રષ્ટિએ વૈદિક લગ્ન, હિન્દુ લગ્નના રિવાજોના જુદા જુદા પ્રકારમાંના એક હતા. પ્રેમ લગ્ન ઐતિહાસિક હિન્દુ સાહિત્યમાં પણ જોવા મળે છે અને તેને ઘણાં નામો, જેમ કે ગંધર્વ વિવાહ દ્વારા વિવિધ રીતે વર્ણવવામાં આવ્યાં છે. કેટલાક ગરીબ વૈષ્ણવ સમુદાયોમાં હજી પણ કાંતી-બદલ નામનો રિવાજ છે, જે કૃષ્ણની મૂર્તિની સામે એકાંતમાં ખૂબ જ સરળ રીતે કરવામાં આવતી મોતીઓની માળાની આપ-લે છે, જેને સ્વીકાર્ય પ્રેમ લગ્નનું એક રૂપ માનવામાં આવે છે.

જુના હિંદુ સાહિત્યમાં સાથે ભાગી જવાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણ પોતે રૂક્મિણી સાથે ઘોડાના રથ પર ભાગી ગયા હતા. એવું લખાયેલું છે કે રુક્મિણીના પિતા તેની ઇચ્છા વિરુદ્ધ શિશુપાલ સાથે તેના લગ્ન કરવા જઇ રહ્યા હતા. રુક્મિણીએ કૃષ્ણને એક પત્ર મોકલ્યો હતો જેમાં તેને લઇ જવા માટેનું સ્થળ અને સમયની મોકલ્યું હતું.

હિન્દુ લગ્નના પ્રતીકો

ભારતના જુદા જુદા ભાગોમાં પરીણિત હિન્દુ મહિલાઓ જુદા જુદા રીતરિવાજો પાળે છે. મોટે ભાગે સિંદૂર, મંગલસૂત્ર અને બંગડીઓ વિવાહિત સ્ત્રીના સંકેતો તરીકે માનવામાં આવે છે.

વરે કન્યાના ગળામાં બાંધેલું મંગળસૂત્ર, વિવાહિત યુગલને ખરાબ નજરથી બચાવવા અને પતિના જીવનની આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. જો મંગળસૂત્ર ખોવાઈ જાય અથવા તૂટી જાય તો તે અશુભ સંકેત બને છે. [4] સ્ત્રીઓ તેમના પતિ પ્રત્યેની તેમની ફરજની યાદગીરી તરીકે દરરોજ તેને પહેરે છે.

સિંદૂર એ બીજું નોંધપાત્ર પ્રતીક છે - જ્યારે સ્ત્રી સિંદૂર લગાડતી નથી, ત્યારે તેનો અર્થ સામાન્ય રીતે વિધવા હોય છે. [5] બિંદી (ચાંદલો), એક કપાળની સજાવટ, મોટે ભાગે પત્નીઓ દ્વારા લગાડવામાં આવે છે, જેને "ત્રીજી આંખ" તરીકે માનવામાં આવે છે, અને તે ખરાબ નસીબને દૂર રાખે છે.

 1. Kapoor, Abhinav. "36 points need to be acquired for an auspicious Gunn Milan method and happy marriage". TrustedTeller. મેળવેલ 5 May 2017.
 2. Manusmriti 3.24 & 26.
 3. Manusmriti 3.27-34.
 4. Das, Subhamoy. “Why Do Hindu Women Wear Mangalsutra Necklaces?” Learn Religions, 24 Feb. 2019, www.learnreligions.com/the-mangalsutra-necklace-1770471.
 5. “Significance of Indian Women's Adornments - Sindoor, Bindi, Toe Rings and Bangles.” Astroyogi.com, Astroyogi.com, 16 Jan. 2017, www.astroyogi.com/articles/significance-of-indian-womens-adornments-sindoor-bindi-toe-rings-and-bangles.aspx.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.