સાહિત્યની પ્રગતિ સાથે શિષ્ટ નાટ્યલેખનની પણ પ્રગતિ થઈ. કાલિદાસનાં નાટકોનો અનુવાદ થવા લાગ્યો. શેક્સપિયરનાં નાટકોનો અનુવાદની કૃતિઓ રંગમંચ પર ભજવાવા લાગી. ગુજરાતી રંગભૂમિના વિકાસના પાયાના પથ્થરો તો પારસીઓ જ ગણાય, દાદાભાઈ થૂથી, દાદાભાઈ પટેલ, નાઝીર મોદી, કાવસજી ખટાઉ, બાલીવાલા, કાતરક અને સોરાબજીના નામો રંગભૂમિને ઉજાળતાં રહેશે.

મુંબઈની રંગભૂમિ પર દક્ષિણની રંગભૂમિની અસર હતી. તો કાઠિયાવાડનાં રજવાડાઓમાં પણ રંગભૂમિની પ્રવૃત્તિ સારી રીતે વિકસી. ગુજરાતી રંગભૂમિએ બુદ્ધ, સિકંદર, ચંદ્રગુપ્ત, હર્ષ, શિવાજી, રાણાપ્રતાપ, પૃથ્વીરાજ અને નરસિંહ મહેતા કે મીરાં જેવાં પાત્રોને રંગભૂમિ ઉપર ઉતાર્યા. સમય વહેતાં નાટકોમાં સંગીતનું તત્વ ઉમેરાયું અને કવિતા તથા સંગીતનો સમન્વય થતાં નાટકકળામાં નિખાર આવ્યો. અર્વાચીન નાટ્યકારોમાં ચંદ્રવદન ચી. મહેતાએ અર્વાચીન રંગભૂમિનો નક્કર પાયો નાખ્યો અને અવ્યક્ત રહેલી રંગભૂમિની શક્તિને બહાર લાવવાનો સ્તુત્ય પુરુષાર્થ કર્યો.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.