આરણ્યકપર્વ ભારતીય મહાકાવ્ય મહાભારતના અઢાર પર્વોમાંનો ત્રીજો પર્વ છે.[1] તેને વન પર્વ પણ કહેવાય છે. આરણ્યક પર્વના ૨૨ ઉપપર્વોમાં કુલ ૩૧૫ પ્રકરણો છે.[2] [3] [4] [5] [6] [7]

આરણ્યક પર્વના નામ પરથી સ્પષ્ટ છે તેમ તેમાં પાંડવોના બાર વર્ષના વનવાસની કથા છે. વનવાસ દરમ્યાનની ઝીણામાં ઝીણી ઘટનાઓનું વિવરણ આ પર્વમાં સામેલ છે. આ પર્વ ફિલસૂફીના દૃષ્ટિકોણથી ખૂબ અગત્યનો છે. આ પર્વમાં પાંડવો જીવનના મહત્વના પાઠ ભણે છે.[8]

વન પર્વ સદાચાર અને નૈતિકતાનો ઉપદેશ આપે છે. તેમાં અર્જુન, યુધિષ્ઠિર અને ભીમની અનેક દંતકથાઓ છે. નહુષ નામના સર્પ અને યુધિષ્ઠિરની કથા આવે છે. નહુષ પણ ચંદ્રવંશી રાજા હતા જે કાર્યકારી ઇંદ્ર તરીકે કામ કરતા હોય છે, ત્યારે અગત્સ્ય ઋષિના શ્રાપ ને કારણે સર્પ બની ગયા હોય છે. આજ પર્વમાં "ઔશીનર અને બાજ"ની વાર્તા કહેવામાં આવી છે. ઔશીનરનું નામ શિબિ હતું તે શિબિના નામે પણ જાણીતા છે. તે ઉશીનર રાજાના પુત્ર હોવાથી તેમનો ઔશીનર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. "નળ અને દમયંતી"ની તથા "સાવિત્રી અને સત્યવાન"ની પ્રેમકથાઓ પણ આ જ પર્વમાં સામેલ છે. [1] [8]

માળખું અને પ્રકરણો

આ પુસ્તકમાં ૨૨ ઉપપર્વો અને ૩૨૪[9] અધ્યાયો છે.[4] [10] તેમાં નીચેના પેટા પર્વો છે: [11]

૧. અરણ્યપર્વ (અધ્યાય: ૧-૧૦) [10] [12]
મૃગચર્મ ધારણ કરીને, રથનો ત્યાગ કરીને, પાંડવો પગપાળા જ કામ્યક નામના જંગલમાં જાય છે. આ જંગલ હાસ્તિનાપુરથી નજીક છે. તે વખતે વેદજ્ઞાતા બ્રાહ્મણો તેમની સાથે જવાની વાત કરે છે. પણ યુધિષ્ઠિરને સંકોચ થાય છે, કે તેઓ એક ગૃહસ્થ તરીકે આ બ્રાહ્મણોનું પાલન કેવી રીતે કરી શકશે, તેઓ આટલા બ્રાહ્મણો અને ઋષિઓને કેવી રીતે ખવડાવી શકશે. આ પ્રશ્ન તેઓ ધૌમ્ય મુનિને પૂછે છે, ત્યારે ધૌમ્ય ઋષિ કહે છે, જગતની શરૂઆતથી પૃથ્વી પર અન્ન અને ઔષધિનું નિર્માણ સૂર્યદેવના પ્રકાશથી તેમની કૃપાથી થાય છે. તો, તમે તેમની આરાધના કરો અને તેઓ તમારી મુશ્કેલીનો હલ લાવશે. યુધિષ્ઠિર ધૌમ્યને યુધિષ્ઠિર પોતાના પુરોહિતનું પદ આપે છે અને સૂર્યદેવની આરાધના કરે છે. તે વખતે ધૌમ્ય મુનિ તેમને સૂર્યદેવના ૧૦૮ નામ કહે છે. (મ.ભા.૩.૩.૧૮ થી ૩.૩.૨૮)[13] તેમનાં તપ અને આરાધનાથી પ્રસન્ન થઈને સૂર્યદેવ તેમને વરદાન આપે છે કે તેઓ ચારેય પ્રકારના ખોરાક રાંધશે તે ખૂટશે નહીં. મહાભારતના એક વૃત્તાંત(૩.૩.૭૨ તથા ૩.૩.૭૩ પાનું ૯૫૯, ૯૬૦ [14]) પ્રમાણે સૂર્યદેવ પ્રકટ થઈને યુધિષ્ઠિરને તાંબાનું એક પાત્ર આપે છે અને કહે છે કે,

गृह्णीष्व पिठरं ताम्रं मया दत्त नराधिप । यावद् वर्त्स्यति पाञ्चाली पात्रेणानेन सुव्रत ॥ ७२ ॥
फलमूलामिषं शाकं संस्कृतं यन्महानसे । चतुर्वि धं तदन्नाद्यमक्षय्यं ते भविष्यति ॥ ७३ ॥

હે રાજા ! મારી આપેલું આ તાંબાનું પાત્ર લો, હે સુવ્રત ! તમારા રસોડામાં આ પાત્રમાં ચાર પ્રકારના જે ભોજન તૈયાર થશે તે જ્યાં સુધી દ્રૌપદી પોતે ભોજન નહીં કરી લે ત્યાં સુધી તે દિવસ પર્યંત ખૂટશે નહીં. દ્રૌપદીના અન્નગ્રહણ કર્યા બાદ આ પાત્ર બીજા દિવસે અક્ષયપાત્ર બનશે.

બીજી તરફ ધૃતરાષ્ટ્ર વિદુરને પૂછે છે કે પાંડવોના ગયા બાદ તેમણે જે થયું તેનું સમાધાન શું કરવું જોઈએ ? ત્યારે વિદુર ધૃતરાષ્ટ્રને સલાહ આપે છે કે તેઓ યુધિષ્ઠિરને પાછા બોલાવે અને તેમને તેમનું રાજ્ય પાછું આપે. વળી, દુર્યોધન, કર્ણ, શકુનિ અને દુઃશાસન ભરી સભામાં દ્રૌપદીની માફી માગે. ધૃતરાષ્ટ્ર આ પ્રસ્તાવ ઠુકરાવે છે, તેથી વિદુર ત્યાંથી પાંડવો સાથે જોડાય છે, પરંતુ પછી ધૃતરાષ્ટ્રને વિદુરને કાઢી મૂક્યાનો પશ્ચાતાપ થતાં તે સઞ્જયને વનમાં જઈને વિદુરને પરત લઈ આવવા કહે છે. વિદુર ફરીથી હાસ્તિનાપુર પરત ફરે છે. વેદ વ્યાસ ધૃતરાષ્ટ્રને પાંડવો સાથે શાંતિ કરવા સલાહ આપે છે; મૈત્રેય દુર્યોધનને સલાહ આપવા આવે છે કે તે યુધિષ્ઠિર સાથે સંધિ કરે, પરંતુ તે દુર્યોધન તેમનો અનાદર કરે છે, આખરે મૈત્રેય તેને ભીમના હાથે મરવાનો શ્રાપ આપે છે.
૨. કિર્મીર-વધ પર્વ (અધ્યાય: ૧૧) [15]
પાંડવો બ્રાહ્મણો તથા ઋષિઓ સહિત ત્રણ દિવસ અને ત્રણ રાત્રિના પ્રવાસ પર્યંત કામ્યક વન પહોંચે છે. ભયાનક રાત્રિના ભાગે માનવભક્ષી રાક્ષસ કિર્મીર તેમનો માર્ગ રોકીને ઊભો રહે છે. તે પોતાની ઇચ્છાધીન રૂપ ધારણ કરવાવાળો કિર્મીર માયાજાળ રચે છે. જો કે, ધૌમ્ય મુનિ પોતાની મંત્રશક્તિથી તેની તમામ માયાનો નાશ કરે છે. તેથી માયાથી વંચિત વિશાળકાય રાક્ષસ અતિ ક્રોધિત થઈને સામે આવીને ઊભો રહે છે. ત્યારે તેના પર કોઈ પણ પ્રહાર કરતાં પહેલાં યુધિષ્ઠિર તેનો પરિચય અને ત્યાં આવવાનું પ્રયોજન પૂછે છે. ત્યારે તે રાક્ષસ પોતાનો પરિચય બકાસુરના ભાઈ અને હિડિમ્બના મિત્ર કિર્મીર તરીકે આપે છે. તે ભીમને મારીને બદલો લેવાનું પોતાનું પ્રયોજન બતાવે છે. (મ. ૩.૧૧.૩૪).કિર્મીર અને ભીમ વચ્ચે યુદ્ધ થાય છે અને ભીમ કિર્મીરનો વધ કરે છે. આ તમામ વૃત્તાંત વિદુર અને ધૃતરાષ્યના સંવાદ દરમિયાન વિદુરના મુખેથી થયેલાં વર્ણનરૂપે મહાભારતમાં આલેખિત છે. આ પર્વના છેલ્લા શ્લોક(૩.૧૧.૭૫)માં વૈશમ્પાયન જનમેજયને સંબોધીને કહે છે, કે (વિદુરમુખેથી) કિર્મીરવધ સાંભળીને ધૃતરાષ્ટ્ર નિશ્વાસ નાખે છે. [16]
૩. અર્જુનાભિગમન પર્વ (અધ્યાય: ૧૨-૩૭) [17] [18]
આ પર્વ શ્રી કૃષ્ણના પાંડવો પ્રત્યેના પ્રેમની ઓળખ કરાવે છે. પર્વની શરૂઆતમાં અર્જુન શ્રી કૃષ્ણના હજારો વર્ષની કીર્તિગાથાનું વર્ણન કરે છે કે શ્રી કૃષ્ણ અગિયાર હજાર વર્ષ સુધી ફક્ત જલપાન કરીને પુષ્કર ક્ષેત્રમાં રહ્યા હતા, સો વર્ષ સુધી એક પગ પર ઉભા રહી, ફક્ત વાયુ ગ્રહણ કરીને જ રહ્યા હતા.(મ.ભા. ૩.૧૩.[19]) ત્યારબાદ દ્રૌપદી શ્રી કૃષ્ણને ફરિયાદ કરતાં કહે છે કે "હું પાંચ પરાક્રમી પતિઓ, ધૃષ્ટદ્યુમ્નની બહેન, આપની સખી હોવા છતાં મને સભામાં ખેંચીને લઈ જવામાં આવી, યદ્યપિ હું તે વખતે રજસ્વલા અને એક વસ્ત્રધારી હતી. પતિઓએ મારી રક્ષા કરવી જોઇતી હતી." વધુમાં દ્રૌપદી કહે છે કે તેમને યુધિષ્ઠિરથી પ્રતિવિન્ધ્ય, ભીમથી સુતસોમ, અર્જુનથી શ્રુતકીર્તિ, નકુલથી શતાનીક અને સહદેવથી શ્રુતકર્મા એમ પાંચ પુત્રો છે તે સૌ શ્રી કૃષ્ણ પુત્ર પ્રદ્યુમ્ન જેવા જ મહારથી છે, તેઓની દેખભાળ માટે પણ તેમની માતાની રક્ષા કરવી જોઇતી હતી. આ સાંભળીને શ્રી કૃષ્ણ સખી કૃષ્ણા (દ્રૌપદી)ને કહે છે કે તેઓ પાંડવોના હિતાર્થે જે થઈ શકે તે કરશે અને વધુમાં કહે છે કે, "હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે તું રાજરાણી બનીશ, પર્વત ચિરાઈ જાય, સમુદ્ર સુકાઈ જાય કે પૃથ્વી ફાટીને ટુકડે-ટુકડા થઈ જાય, તો પણ મેં કહેલું થઈને રહેશે."
શ્રી કૃષ્ણ કહે છે કે જો હું આનર્તદેશ (ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, જેની રાજધાની દ્વારવતી દ્વારકા અને મુખ્ય નગર આનર્તપુર હતું) કે તેની આસપાસમાં ક્યાંક હોત, તો વગર આમંત્રણે પણ દ્યૂતકક્ષમાં આવીને ધૃતરાષ્ટ્રને સમજાવત કે તેઓ દ્યૂત રોકે, તેથી તમે રાજ્યથી વંઞ્ચિત ન થાત. યુધિષ્ઠિરની જુગારની આદતની ટીકા કરતાં કહે છે કે, દ્યૂત તે ચાર (સ્ત્રીઓ પ્રતિ આસક્તિ, દ્યૂત, શિકાર અને મદ્યપાન) પાપોમાંથી એક છે જે માણસને બરબાદ કરે છે.
ત્યારબાદ શ્રી કૃષ્ણ કહે છે કે, રાજસૂય યજ્ઞમાં શિશુપાલ વધથી શાલ્વએ ક્રોધિત થઈને સૌમ નામના સ્વચાલિત વિમાનમાં બેસી તેમની ગેરહાજરીમાં દ્વારકા પર ચડાઈ કરી હતી અને ત્યાં વૃષ્ણિવંશના રાજકુમારોની હત્યા કરી શહેરને ઉજાડ્યું હતું. શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકા ગયા ત્યારે તેમને ખબર પડી. તેથી તેઓ શાલ્વ જ્યાં હતો તેમણે સૌમનગર અને પછી એક દ્વીપ પર પહોંચીને ત્યાં તેનો અને અન્ય રાક્ષસોનો વધ કર્યો, આમ તેઓ હાસ્તિનાપુરની આસપાસ નહોતા. શ્રી કૃષ્ણ તેમની અનુપસ્થિતિમાં તેમનો મહારથી પુત્ર પ્રદ્યુમ્ન કેવું શૂરાતન બતાવીને શાલ્વની સેના સામે યુદ્ધ કરે છે અને શાલ્વને પરાસ્ત કરે છે તેની કથા પણ સંભળાવે છે. ત્યારબાદ શ્રી કૃષ્ણ, ધૃષ્ટદ્યુમ્ન ઇત્યાદિ દ્વારકા જવા રવાના થાય છે. પાંડવો દ્વૈતવન નામના સરોવર કિનારે પ્રસ્થાન કરે છે. ત્યાં તેમને વિધિ વિધાનમાં પારંગત, અગ્નિહોત્રી ઇત્યાદિ નાના પ્રકારના પારંગત બ્રાહ્મણો મળે છે. શ્રી માર્કણ્ડેયજી યુધિષ્ઠિરને ધર્મનો આદેશ આપે છે અને પાંડવો ઉત્તર તરફ પ્રસ્થાન કરે છે. દલ્ભપુત્ર મહર્ષિ બક યુધિષ્ઠિરને બ્રાહ્મણોનું મહત્વ સમજાવે છે. આ પર્વમાં મહર્ષિ વ્યાસ પાંડવોને મળવા વનમાં આવે છે. અને પાંડવો સાથે પ્રતિસ્મૃતિનો સિદ્ધાંત અને જ્ઞાન વહેંચે છે. પાંડવો દ્વૈતવનથી સરસ્વતી નદીના કિનારે સ્થળાંતર કરે છે. અર્જુન ઉત્તર તરફ એકલા જ નીકળે છે, જ્યાં તે બ્રાહ્મણના વેશમાં ઇન્દ્રને મળે છે, જે તેમને આકાશી શસ્ત્રો મેળવવા માટે ભગવાન શિવને પ્રાર્થના કરવાની સલાહ આપે છે.
૪. કૈરાતપર્વ (પ્રકરણ: ૩૮-૪૧) [20] [10] [21]
અર્જુન કિરાતના વેશમાં શિવ સામે લડે છે
અર્જુન ઉગ્ર તપસ્યા કરે છે. તેમની ઉગ્ર તપસ્યાને લીધે, બધા ઋષિઓ ભગવાન શિવ પાસે ગયા. અર્જુનની ઇચ્છા જાણીને, શ્રી પિનાકપાણિ, કિરાત(એક ભીલ જાતિ)ના વેશમાં, અર્જુનની મુલાકાત લે છે, અને તેની સાથે ઉમા (તેમનાં પત્ની), ઘણા બધા ભૂતાત્માઓ અને હજારો સ્ત્રીઓ છે. તે સૌ પણ કિરાતના જ વેશધારી છે. શિવ જ્યારે અર્જુનની નજીક પહોંચે છે, ત્યારે જુઓ છે કે મૂક નામનો એક રાક્ષસ ભૂંડ બનીને અર્જુન પર હુમલો કરે છે. એક તરફથી શિવ અને બીજી તરફથી અર્જુન તેના પર તીરથી પ્રહાર કરે છે અને મૂક પોતાના અસલી સ્વરૂપમાં આવીને મૃત્યુ પામે છે. તદનન્તર અર્જુન કિરાત પર ગુસ્સે થઈ જાય છે કે તેમણે અર્જુનના દુશ્મનને કેમ માર્યો. આ વાત પર પહેલાં વાગ્યુદ્ધ થાય છે. પછી શિવથી અનભિજ્ઞ અર્જુન બાણથી યુદ્ધ કરે છે. પણ તેમનાં બધાં જ બાણ શિવના શરીરમાં સમાઈ જાય છે. તદપશ્ચાત્ પોતાના ધનુષ વડે પ્રહાર કરતાં તે પણ શિવના શરીરમાં સમાઈ જાય છે. તેથી ઉશ્કેરાયેલ અર્જુન તલવારથી કિરાતના માથા પર પ્રહાર કરે છે. તે પણ અસરહીન બનતાં છેવટે તે મુષ્ટિપ્રહાર પર આવી જાય છે. પહેલાં તો શિવ કોઈ વળતો જવાબ આપતા નથી, પણ પછી તેમની મુષ્ટિપ્રહારથી ઘાયલ અને લોહીલુહાણ અર્જુન અર્ધમૂર્છિત થઈ જાય છે. શિવ તેને બગલમાં દબાવીને વધુ ઘાયલ કરે છે. અર્જુન ધરાશાયી થાય છે અને થોડીવારમાં સૂધ પ્રાપ્ત થતાં તે શિવકૃપા મેળવી દુશ્મનને હરાવવા માટે, માટીમાંથી શિવલિંગ બનાવી તેના પર પુષ્પમાળા અર્પણ કરે છે અને તે માળા કિરાતના ગળામાં આવી જતાં, અર્જુન કિરાતના સ્વાંગમાં આવેલા મહાદેવને ઓળખી જાય છે. પછી અર્જુન તેમના શરણે જાય છે. મહાદેવ કૃપાથી તેમના બધા જ વ્રણ ભરાઈ જાય છે. શિવ તેમને વિશાલ ચક્ષુ આપે છે અને પોતાનું શસ્ત્ર પાશુપતાસ્ત્ર પણ આપે છે. ત્યારબાદ શૂલપાણિ અને મા ઉમા તેમને પોતાના મૂળ સ્વરૂપે દર્શન આપે છે. વૃષભધ્વજ (વૃષભના ચિહ્નની ધ્વજા ધારણ કરનારા શિવ) અર્જુનને જ્ઞાન કરાવે છે કે તેમના અગાઉના એક જન્મમાં નર નામે ઋષિ હતા અને સાક્ષાત્ નારાયણ તેમને સખારૂપે પ્રાપ્ત થયા હતા. (તેથી જ નરનારાયણ શબ્દપ્રયોગ અસ્તિત્વમાં આવ્યો છે.) શિવ તેમને પાશુપતાસ્ત્રની તકનીક વિષે બોધ આપે છે. શિવ તેમને ઇન્દ્રલોકમાં જવાનો આદેશ આપે છે અને પોતાના રસાલા સહિત અંતરધ્યાન થઈ જાય છે. ત્યારબાદ કુબેર તેમના વિમાનમાં ત્યાં આવે છે, અર્જુનના પૂર્વજો સહિત યમરાજ, ઇન્દ્ર અને અન્ય દેવતાઓ પણ અર્જુનની સમક્ષ આવે છે. યમ, ઇન્દ્ર, વરુણ અને અન્ય દેવતા અર્જુનને નાના પ્રકારના અસ્ત્રો અને તેની તકનીક આપે છે: યમ તેમનો દણ્ડ, વરુણ તેમને વરુણ-પાશ, અને કુબેર "અંતર્ધાન" નામનું શસ્ત્ર આપે છે. અર્જુન સૌ લોકપાલોની કૃપા સ્વીકારી કૃતાર્થ થાય છે. ઇન્દ્ર તેમને સ્વર્ગમાં લઈ જવા રથ મગાવે છે. અને અર્જુનને સ્વર્ગલોકમાં લઈ જાય છે.
૫. ઇન્દ્રલોકાભિગમન પર્વ (અધ્યાય: ૪૨-૫૧) [4] [22]
આ પર્વમાં અર્જુન સ્વર્ગની મુલાકાત લે છે. આ પર્વમાં દેવલોકનું વર્ણન છે. રસ્તામાં સારથિ માતલિ અર્જુનના વિવિધ પ્રશ્નોના ઉત્તર આપે છે અને સ્વર્ગ વિષે જણાવે છે. અર્જુનનું દેવતાઓ સ્વાગત કરે છે. ત્યાં સાધ્ય, વિશ્વેદેવ, મરુદ્ગણ, અશ્વિનીકુમાર, આદિત્ય વસુ, રુદ્ર, બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ, રાજા દિલીપ સહિત ઘણા રાજાઓ, તુમ્બુર, નારદ, હાહા, હૂહૂ ઇત્યાદિ ગન્ધર્વગણ સૌ ઉપસ્થિત હતા, તેમને મળીને અર્જુન તેમનું અભિવાદન કરે છે. દેવેન્દ્ર અર્જુનને આકાશી શસ્ત્રો આપે છે. સ્વર્ગમાં અર્જુન પોતાના પિતાના આવાસમાં તેમની સાથે નિવાસ કરે છે અને વિવિધ પ્રકારનાં અસ્ત્રોની કેળવણી તથા ચિત્રસેન પાસેથી સંગીત અને નૃત્યની કેળવણી મેળવે છે. દેવેન્દ્રના કહેવાથી ચિત્રસેન ઉર્વશીને અર્જુનનું વર્ણન કરીને અર્જુનનું દિલ જીતી તેમની સેવામાં મોકલે છે, કામદેવના પ્રભાવમાં ઉર્વશી અર્જુનની સામે પ્રણય પ્રસ્તાવ મૂકે છે, પરંતુ અર્જુન ઉર્વશીને માતારૂપે જુએ છે. ઉર્વશીના ખૂબ પ્રયત્નો બાદ પણ અર્જુનના મનમાં માતા સિવાયના કોઈ ભાવ ન જન્મતાં, ઉર્વશી વિષાદગ્રસ્ત થઈ અર્જુનને શ્રાપ આપે છે, એક વખત એવો આવશે કે જ્યારે અર્જુનને સ્ત્રીઓની વચ્ચે માનરહિત બનીને ષણ્ઢવત્ રહીને નર્તક બનીને રહેવું પડશે. અર્જુન જ્યારે આ વાત ઇન્દ્રને કરે છે, ત્યારે ઇન્દ્ર કહે છે કે આ શ્રાપ અજ્ઞાતવાસ દરમિયાન પુરો થઈ જશે અને તે વરદાનરૂપે અર્જુનને કામમાં આવશે.
૬. નલોપાખ્યાન પર્વ (અધ્યાય: ૫૨-૭૯) [10] [23]
જંગલમાં, જ્યારે દમયંતી સૂતી હોય છે ત્યારે નલ તેને ત્યાગી જતા રહે છે.
યુધિષ્ઠિર તેની જુગારની સમસ્યા પર પસ્તાવો કરે છે અને પોતાને પૃથ્વી પરનો સૌથી દુ:ખી વ્યક્તિ જાહેર કરે છે. બૃહદશ્વ તેમને નલ અને દમયંતીનું આખ્યાન સંભળાવે છે. વાર્તા સાથે સાંત્વના આપે છે, આપની આસપાસ તો આપના અનુજ, બ્રાહ્મણશ્રેષ્ઠ સૌ છે, પણ કલિપ્રભાવમાં રાજા નલ જુગારમાં પુષ્કર સામે સર્વસ્વ હારીને વનવાસ સ્વીકારે છે ત્યારે તેમની સાથે કાંઈ નથી હોતું. નલ અને દમયંતી અલગ થઈ જાય છે. દમયંતી તેના પિતાના રાજ્યમાંથી ભાગી જાય છે. જો કે, આ ઉપાખ્યાન સુખાંત છે, કે નલ પોતાનું ખોયેલું રાજ્ય પરત મેળવે છે અને નલ અને દમયંતી નલે પુષ્કરમાંથી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. દમયંતી અને નાલ રાજ્ય સંભાળે છે અને સુખેથી જીવે છે.[24] વાર્તા યુધિષ્ઠિરને દ્યૂતક્રીડામાં જે બન્યું તેમાંથી ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરિત કરે છે.
૭. તીર્થયાત્રાપર્વ (અધ્યાય: ૮૦-૧૫૬) [4] [25]
એક દિવસ યુધિષ્ઠિર, ભીમ, નકુલ અને સહદેવ સાથે દ્રોપદી સૌ અર્જુનને યાદ કરીને તેમના વિરહમાં પોતાની મનઃસ્થિતિનું વર્ણન કરે છે. આ વાતો ચાલતી હતી ત્યાં યુધિષ્ઠિર દેવર્ષિ નારદને આવતા જુએ છે.ષ્ઠિરની તીર્થયાત્રાના મહાત્મ્ય વિષેની જિજ્ઞાસાને લઈને દેવર્ષિએ તેમને પૂર્વકાળમાં ગઙ્ગાદ્વારે પુલત્સ્ય ઋષિ દ્વારા ભીષ્મ પિતામહને તીર્થયાત્રા વિષે આપેલી માહિતીનો સંદર્ભ આપીને તીર્થસ્થાનો વિષે અને તેમની વિશિષ્ટતાઓ જણાવે છે (મ.ભા. ૩.૮૨.૨૦ થી ૩.૮૫.૧૩૨[26]). આ તીર્થોમાં મુખ્યત્વે બ્રહ્મતીર્થ પુષ્કર, જમ્બૂમાર્ગ, તન્દુલિકાશ્રમ, યયાતિપતન, મહાકાલીતીર્થ, નર્મદા કિનારે ભદ્રવટ, અર્બુદ (આબુ), પ્રભાસ, દ્વારકા, પર્વ કુરુક્ષેત્ર, ગંગા, યમુના, પ્રયાગ અને બ્રહ્માસાર સહિત અન્ય તીર્થોનું મહાત્મ્ય જણાવે છે. ત્યારબાદ નારદજીની અનુમતિથી યુધિષ્ઠિર ધૌમ્યમુનિને પૂછે છે અને તેઓ પણ અન્ય તીર્થોનું વર્ણન કરે છે. ત્યારબાદ દેવલોકમાં અર્જુનને મળીને આવેલા મહર્ષિ લોમેશ ત્યાં આવે છે અને સૌ તેમનો સત્કાર કરે છે. તેઓ મહાદેવ, ઇન્દ્ર અને અન્ય દેવતાઓ દ્વારા અર્જુનને મળેલાં અસ્ત્રો અને તેની દેવલોકમાં મળેલી કેળવણી વિષે જણાવ્યું. ત્યાર બાદ યુધિષ્ઠિર અનુજો અને ભાર્યા, પુરોહિત ધૌમ્ય, લોમેશ ઋષિ, અને બ્રાહ્મણગણ સહિત તીર્થાટન પર જાય છે. તેઓ અગત્સ્ય ઋષિના આશ્રમમાં જાય છે અને લોમેશ ઋષિ તેમને અગત્સ્ય ઋષિના લોપામુદ્રા સાથે લગ્ન, તેમના દ્વારા વાતાપિ નામના રાક્ષસનો વધ, તેમના મેધાવી પુત્ર દૃઢસ્યુનો જન્મ વિષેની કથા કહે છે. સમયાન્તરે જુદા જુદા તીર્થમાં પ્રવાસ દરમિયાન લોમેશ ઋષિ સૌને તે તીર્થ અને તેની સાથે જોડાયેલા મહાનુભાવોની કથા કહે છે, તેમાં દધિચિ ઋષિના હાડકામાંથી ઇન્દ્રના શસ્ત્ર વજ્રનું નિર્માણ કરી તેના દ્વારા વૃત્રાસુરનો વધ, અગત્સ્ય મુનિ દ્વારા વિંધ્યાચલ પર્વતને વધતો રોકવાની યુક્તિ, તેમના દ્વારા સમુદ્રપાન અને તેમાં છુપાયેલા રાક્ષસોનો દેવતાઓ દ્વારા વધ, ત્યારબાદ રામ અને પરશુરામનો સંવાદ, પરશુરામનું તેજ લોપ, અગત્સ્ય મુનિ દ્વારા સમુદ્રાચમન પશ્ચાત્ દેવો બ્રહ્માજીને પ્રાર્થે છે કે સમુદ્ર ફરી તેવો જ ભરાઈ જાય. બ્રહ્માજી તેમને સાંત્વન આપે છે કે આવનારા કાળમાં સમયાનુસાર ભગીરથ (અને તેમના પૂર્વજો)ના પ્રતાપે સમુદ્ર ફરી ભરાશે. આ વાત પર યુધિષ્ઠિરની જિજ્ઞાસાને સંતોષવા રાજા સગરની વાત કરે છે. રાજા સગર ઇક્ષ્કવાકુવંશી પ્રતાપી રાજા હતા. તેઓ નિસંતાન હોવાથી પોતાના બન્ને પત્નીઓ વૈદભીં અને શૈબ્યા સહિત કૈલાસ પર્વત પર તપસ્યા કરે છે અને ભોળાનાથ પ્રસન્ન થતાં તેઓ પુત્ર પ્રાપ્તિની ઇચ્છા પ્રકટ કરે છે. શિવજી તેમને વરદાન આપી કહે છે કે તેમની પ્રથમ પત્ની ૬૦૦૦૦ પુત્રોને જન્મ આપશે પરંતુ તે તમામ એક જ સાથે મૃત્યુ પામશે અને બીજી પત્નીને એક શૂરવીર પુત્ર થશે જે થકી તમારો વંશ આગળ વધશે. વૈદભીંના ગર્ભમાંથી એક બીજ સહિતનું તુંબડું પ્રસવે છે અને શૈબ્યા એક પુત્રને જન્મ આપે છે. ત્યારે એક આકાશવાણીમાં જણાવ્યા મુજબ તુંબડાને પાણીમાં ગરમ કરીને તેના એક એક બીજને એક એક જુદા ઘડામાં આરોપિત કરવામાં આવે છે, દરેકમાંથી એક પુત્ર લેખે કુલ ૬૦૦૦૦ પુત્રો થાય છે, જે તમામ મોટા થઈને ખૂબ જ ક્રૂર બને છે. એકવાર રાજા અશ્વમેધ યજ્ઞનો સંકલ્પ લઈ એક ઘોડાને છૂટો મૂકે છે. ઘોડાની રક્ષા કાજે જતાં જલવિહીન સમુદ્રમાં ઘોડો અદૃશ્ય થઈ જાય છે. છેવટે તે કપિલ મુનિની નજીકથી મળતાં, સૌ પુત્રો તેમને અપમાનજનક શબ્દો બોલે છે, કપિલ મુનિ ક્રોધથી તેમની સામે જુએ છે અને તમામ ૬૦૦૦૦ રાજકુમારો બળીને રાખ થઈ જાય છે. નારદજી આ સમાચાર રાજા સગરને આપે છે. શૈબ્યપુત્ર અસમંજસ પણ પ્રજાને પીડા આપતો હોય છે પણ તેનો પુત્ર અંશુમાન તેજસ્વી અને આજ્ઞાંકિત હોય છે. સગર તેને અશ્વ શોધી લાવવા કહે છે. અંશુમાન કપિલ મુનિ પાસે જઈ પ્રણામ કરીને અશ્વ આપવાની પ્રાર્થના કરે છે, અશ્વ લઈને આવે છે. કપિલ મુનિ કહે છે કે તેના ૬૦૦૦૦ કાકાઓનો નાશ થયો છે તેમને તે સ્વર્ગમાં મોકલશે અને આશિષ આપે છે કે તેમનો પૌત્ર સ્વર્ગમાંથી ગઙ્ગાને ધરતી પર લઈ આવશે. સગર સમુદ્રને પોતાના પુત્રનો દરજ્જો આપે છે. અશ્વમેધ યજ્ઞ સંપન્ન કરે છે, દીર્ઘકાળ સુધી રાજ્ય કરી, અંશુમાનને રાજ્ય સોંપી, સ્વર્ગે સીધાવે છે. અંશુમાનને દિલીપ નામે એક પુત્ર થાય છે. અંશુમાન તેમને ગાદી સોંપીને સ્વર્ગવાસી થાય છે. દિલીપ ગંગાને પૃથ્વી પર અવતરણ કરાવવા પ્રયત્નો કરે છે પણ તે સફળ નથી થતાં અને તેમના પુત્ર ભગીરથને તેમાં સફળતા મળે છે. અને સગરના ૬૦૦૦૦ પુત્રોના અસ્થિને ગંગાજલ છાંટી તેમની મુક્તિ કરાવી સ્વર્ગવાસ કરાવે છે. વળી, વખત જતાં ગંગાના પાણીથી સમુદ્ર પણ ભરાઈ જાય છે. આ પર્વમાં મહર્ષિ શૃંગ (શિંગડાવાળા ઋષિ)ની કથા, જમદગ્નિનો જન્મ, પરશુરામ આખ્યાન, પિતાની આજ્ઞાથી પોતાની માતાનો શિરચ્છેદ ઇત્યાદિ કથાઓનો સમાવેશ થાય છે. પર્વમાં શિબિ, કબૂતર અને બાજની કથા, અષ્ટાવક્રના જન્મની કથા અષ્ટાવક્રનો શાસ્ત્રાર્થનો સમાવેશ થાય છે. ઘટોત્કચની સહાયથી સૌ બદરિકાશ્રમ પહોંચે છે. આ જ પર્વમાં ભીમસેનની રામભક્ત પવનપુત્ર હનુમાનની મુલાકાત પણ થાય છે.
૮. જટાસુરવધપર્વ (અધ્યાય: ૧૫૭) [10] [27]
તદપશ્ચાત્ ઘટોત્કચ અને અન્ય રાક્ષસોની મદદથી યાત્રા પુરી કરીને યુધિષ્ઠિર અને તેમના ભાઈઓ પરત કામ્યક વન આવે છે અને ત્યાં નિવાસ કરે છે. જટાસુર નામનો એક રાક્ષસ તેમની સાથે બ્રાહ્મણના સ્વાંગમાં રહે છે અને ભીમસેનની અનુપસ્થિતિમાં યુધિષ્ઠિર, નકુલ, સહદેવ અને પાંચાલીને પોતાના સકંજામાં લઈ લે છે. ભીમસેન આવીને મુક્ત કરાવે છે અને જટાસુરનો વધ કરે છે.
૯. યક્ષયુધ પર્વ (અધ્યાય: ૧૫૮-૧૬૪) [10] [28]
અર્જુને ચાર વર્ષ ઉપરાંત પરત આવવાની વાત કરી હતી તે સમય નજીક આવતાં તેઓએ મળવા માટે નિશ્ચિત કરેલ સ્થાન હિમાલય પર જાય છે. ત્યાં વૃષપર્વા ઋષિના આશ્રમમાં થોડો સમય રહીને આર્ષ્ટિષેણ ઋષિના આશ્રમે પહોંચે છે. આસપાસ રહેતા ગંધર્વ, યક્ષ, રાક્ષસો સાથે ગન્ધર્વમાદન પર્વત પર ભીમનું યુદ્ધ થાય છે અને તે રાક્ષસોનો નાશ કરે છે અને અમુક રાક્ષસો ભાગી જાય છે. બચી ગયેલા યક્ષ, ગંધર્વો અને રાક્ષસો સૌ કુબેર પાસે જઈને સહાય માગે છે. કુબેર તેમની સાથે ગન્ધર્વમાદન પર્વત પર આવે છે. સૌ માને છે કે કુબેર ગુસ્સે થશે પરંતુ તેથી વિપરીત કુબેર કહે છે કે આજે આ યક્ષ રાક્ષસોનો સંહાર થવાથી તેઓ પોતે ખુશ છે કારણકે આના કારણે તેમને અગત્સ્ય ઋષિએ આપેલા એક શ્રાપનું નિવારણ થયું છે. ત્યારબાદ કુબેર પરત પોતાના નિવાસસ્થાને જાય છે.
૧૦. નિવાતકવચયુદ્ધ પર્વ (અધ્યાય: ૧૬૫-૧૭૫) [10][29]
થોડા સમય પછી અર્જુનનું આગમન થાય છે. દેવરાજ ઇન્દ્ર પણ ત્યાં આવે છે અને સૌને આશીર્વાદ આપી સ્વર્ગલોક પરત ફરે છે. અર્જુન આ પાંચ વર્ષની બધી વાતો કરે છે. તેમાં પાતાલલોકમાં અર્જુન અને નિવાતકવચોનું યુદ્ધ થયું તેની પણ કથા છે. યુધિષ્ઠિર દિવ્યાસ્ત્રોનાં દર્શન કરવાની ઇચ્છા કરે છે, અર્જુનને તેનું પ્રદર્શન કરતાં નારદમુનિ રોકે છે કે દિવ્યાસ્ત્રોને તેનુમ અનિવાર્ય કામ હોય તો જ હાજર કરવા જોઈએ.
૧૧. આજગરપર્વ (અધ્યાય: ૧૭૬-૧૮૧) [10][30]
પાંડવો દ્વૈતવનમાં પરત ફરે છે. એક દિવસ ભીમસેનને સર્પ બનેલા નહુષનો સામનો કરવો પડે છે. સર્પ (અજગર) તેમને પોતાના ભરડામાં લઈ લે છે. ઘણા સમય પર્યંત ભીમ પરત ન ફરતાં યુધિષ્ઠિર તેમને શોધવા આવે છે અને નહુષને વિનંતી કરે છે કે તેઓ ભીમસેનને છોડી દે. આ વાદ-વિવાદમાં નહુષ જણાવે છે કે તે પૂર્વ જન્મે પાંડવોનો પૂર્વજ રાજા નહુષ હતો. પરંતુ ઐશ્વર્યના મદમાં તેમણે બ્રાહ્મણો પાસે ભાત ભાતના દાસકર્મ કરાવ્યાં, તેથી અગત્સ્ય ઋષિએ તેમને સાપ બનાવી દીધા પરંતુ તેમની જ કૃપાથી તેમની યાદશક્તિ હજુ પણ અકબંધ હતી. પછી નહુષ કહે છે કે જો યુધિષ્ઠિર તેમના પ્રશ્નોના જવાબ સાચા આપશે તો તેઓ ભીમને મુક્ત કરી દેશે. યુધિષ્ઠિર તમામ જ્ઞાનવર્ધક પ્રશ્નોના જવાબ આપે છે. યુધિષ્ઠિરના પ્રભાવથી નહુષને પણ તેઓ શાપિત અવસ્થામાંથી મુક્તિ અપાવે છે.
૧૨. માર્કંડેય-સમાસ્યાપર્વ (અધ્યાય: ૧૮૨-૨૩૧)[10][31]
શરદ ઋતુમાં સત્યભામા સહિત શ્રીકૃષ્ણ ત્યાં આવે છે. સૌ એકબીજાના કુશલમંગલની પૃચ્છા કરે છે. તેવામાં હજારો વર્ષની આયુવાળા સદા યુવાન દેખાતા શ્રી માર્કણ્ડેય મુનિ ત્યાં આવે છે. શ્રીકૃષ્ણ તેમને પ્રાચીનકાળના નરેશો, ઋષિઓ, ઇત્યાદિની કથાઓ કહેવાની વિનંતી કરે છે. આ વાત દરમિયાન દેવર્ષિ નારદ ત્યાં પધારે છે. તેમનું પણ સ્વાગત-પૂજન કરવામાં આવે છે. માર્કણ્ડેય મુનિ સમજાવે છે કે બ્રહ્માંડની રચના બાદ જે મનુષ્યોની ઉત્પત્તિ થઈ તે સૌ ધર્મપરાયણ હતા, પોતાની ઇચ્છા મુજબ ત્રણેય લોકમાં આવજા કરી શકતા, પોતાની ઇચ્છા મુજબ આયુષ્ય ભોગવી શકતા. પરંતુ કાળક્રમે ભૂલોક પર વધુને વધુ સમય વ્યતીત કરવા લાગ્યા તેમ તેઓ નાના પ્રકારના પાપકર્મોથી લિપ્ત થતાં તેમનું આયુષ્ય ઓછું થતું ગયું અને તેઓને દેવલોક અને પાતાલલોકમાં પ્રવેશ પણ વર્જિત કરવામાં આવ્યો. આ તમામની વચ્ચે જ્ઞાની મનુષ્યો ધર્મપરાયણ બનીને જીવન જીવતા. ત્યારબાદ યુધિષ્ઠિરની જ્ઞાનપિપાસાને અનુરૂપ તેઓ બ્રાહ્મણનું મહાત્મ્ય જણાવે છે. ત્યારબાદ તેઓ દૃષ્ટાંતરૂપે હૈહયવંશી કુમાર રાજા પરપુરંજય અને અરિષ્ટનેમિ ઋષિની કથા તેમજ અત્રિમુનિ તથા રાજ પૃથુની કથા કહે છે. ત્યારબાદ તાર્ક્ષ્યને મા સરસ્વતીના ઉપદેશની વાત પણ કરે છે. ત્યારબાદ યુધિષ્ઠિર તેમની પાસેથી વૈવત્સવ મનુ અને મત્સ્યાવતારની કથા સાંભળવાની ઇચ્છા જાહેર કરે છે અને માર્કણ્ડેય મુનિ તેમને ઉપકૃત કરે છે. આ પર્વમાં ચાર યુગોના વર્ષની સંખ્યા, કલિયુગના પ્રભાવ, પ્રલયની વાત, માર્કણ્ડેય મુનિ દ્વારા બાલમુકુન્દના દર્શન, ભગવાનના ઉદરમાં પ્રવેશ કરીને બ્રહ્માણ્ડદર્શન કર્યાની કથા, પાંડવોનું શ્રીકૃષ્ણના શરણે જવું, કલિયુગમાં કલ્કિ અવતારનું પ્રાકટ્ય અને કલ્કિ અવતાર દ્વારા સતયુગની સ્થાપના ઇત્યાદિ વાતો કહેવામાં આવી. તેઓ ઇક્ષ્વાકુવંશી પરીક્ષિતનાં મણ્ડુકરાજની પુત્રી સાથે વિવાહ, વામદેવ મુનિની કથા, ઇન્દ્ર અને બક મુનિ સંવાદ, સુહોત્ર અને શિબિની કથા, યયાતિ, સેદુક અને વૃષદભનાં ચરિત્રાંકન, શિબિરાજાની પરીક્ષા, દેવર્ષિ નારદ દ્વારા શિબિના મહત્વનું પ્રતિપાદન ઇત્યાદિનું કથન.
આ જ પર્વમાં નિન્દિત જન્મ, નિન્દિત દાન, દાનપાત્રતા શ્રાદ્ધમાં ગ્રાહ્ય અને અગ્રાહ્ય બ્રાહ્મણ, અતિથિ સત્કાર, વાણીશુદ્ધિ, ગાયત્રી મંત્ર, ઇન્દ્રિયનિગ્રહ, ઇત્યાદિ ગુણોનું વિસ્તારથી વિવેચન પણ માર્કણ્ડેય મુનિ કરે છે. તેઓ બ્રહ્માની ઉત્પત્તિ, વિષ્ણુ ભગવાન દ્વારા મધુ-કૈટભનો વધ, ધુન્ધુની તપસ્યા, આ પર્વમાં બૃહસ્પતિ અને સ્કંદની કથા વિસ્તારથી આપી છે.
૧૩. દ્રૌપદી-સત્યભામા સંવાદપર્વ (અધ્યાય: ૨૩૩–૨૩૫) [10][32]
આ પર્વમાં સત્યભામાએ દ્રૌપદીને કૃષ્ણના પ્રેમને કેવી રીતે જીતી શકાય તેની સલાહ માંગી. દ્રૌપદીએ પત્નીની ફરજો સમજાવી.
૧૪. ઘોષયાત્રાપર્વ (પ્રકરણ: ૨૩૬-૨૫૭) [33]
શકુનિ દુર્યોધનને વનવાસમાં પાંડવોનો મુકાબલો કરવાની સલાહ આપે છે, પરંતુ ધૃતરાષ્ટ્ર દુર્યોધનને ના પાડી દે છે. રાજા પાસેથી પરવાનગી મળ્યા પછી, દુર્યોધન, કર્ણ, શકુનિ અને તેના ઘણા ભાઈઓ સાથે દ્વૈતવન (તળાવ) પર ગયો. તેઓનો સામનો ત્યાં ગંધર્વો સામે થાય છે, બન્ને પક્ષ વચ્ચે યુદ્ધ થાય છે અને દુર્યોધન બંદી બને છે. દુર્યોધનના સૈનિકે પાડવો પાસે મદદ મેળવવા જાય છે. યુધિષ્ઠિર અર્જુનને તેમની મદદ કરવાનો આદેશ આપે છે. અર્જુન તેમને બચાવવાની પ્રતિજ્ઞા લે છે. ત્યારબાદ અર્જુન ગંધર્વો સામે યુદ્ધે ચડે છે, અર્જુન ચિત્રસેન અને ગંધર્વોને હરાવીને દુર્યોધનને બચાવે છે. યુધિષ્ઠિરના દયાળુ કૃત્યથી દુર્યોધનને લજ્જિત થાય છે, અને વનમાં જ અનશન પર ઊતરી જાય છે અને જાહેર કરે છે કે તે રાજ્યમાં પાછા નહીં ફરે અને રાજ્ય દુઃશાસનને આપી દેવું. છેવટે, કર્ણ અને શકુનિ દુર્યોધનને શાંત કરે છે. ત્યારબાદ તેને લાગે છે કે જ્યાં સુધી ભીષ્મ, દ્રોણ અને કર્ણ તેની પડખે છે ત્યાં સુધી તેણે ડરવું જોઈએ નહીં. તેથી, તે જાહેર કરે છે કે તે પાંડવોને યુદ્ધમાં હરાવશે અને રાજ્યમાં પાછા ફરે છે.
૧૫. મૃગસ્વપ્નોદ્ભવ પર્વ (અધ્યાય: ૨૫૮) [4][34]
એક રાત્રે યુધિષ્ઠિરના સ્વપ્નમાં હિંસક પશુઓ આવે છે અને કરુણ વિલાપ કરે છે. યુધિષ્ઠિર દ્વારા કારણ પૂછતાં તેઓ કહે છે કે તમે પાંચે ય શૂરવીર ભાઈઓના કારણે અમારી વસ્તી ઘટી રહી છે, ક્યાંક અમારી પ્રજાતિ લુપ્ત ન થઈ જાય તેમની ચિંતામાં અમે વિલાપ કરીએ છીએ, માટે જો તમે અમારા હિત કાજે અહીંથી અન્ય સ્થાને નિવાસ કરો તો સારું. બીજે દિવસે તમામ ભાઈઓને અને દ્રૌપદીને યુધિષ્ઠિર આ વાત કરે છે. યુધિષ્ઠિર તારણ આપે છે કે તમામ જીવોનું કલ્યાણ સુનિશ્ચિત કરવું એ તેમનો ધર્મ છે. તમામ તેમની સાથે સહમત થાય છે કે તેમણે નિવાસસ્થાન બદલવું જોઈએ. આમ તેઓ ફરી દ્વૈતવન નામના સરોવરથી કામ્યક વન જઈ ત્યાં નિવાસ કરે છે.
૧૬. વ્રીહિદ્રૌણિકપર્વ (અધ્યાય: ૨૫૯-૨૬૧) [10] [35]
એક દિવસ અચાનક મહર્ષિ વ્યાસ પાંડવોને ત્યાં કામ્યક વનમાં આવે છે. તેઓ જુએ છે કે તેમના પૌત્રો ૧૧ વર્ષથી દુઃખ સહન કરીને વનમાં રહે છે. તેથી તેમની કરુણાસભર આંખોમાં આંસુ આવી જાય છે. પછી તેઓ સુખદુઃખની ઘટમાળની વાત કરીને તેમને સાંત્વન આપે છે અને કહે છે કે માણસના પુણ્યકર્મમાં શ્રેષ્ઠ દાન છે. પણ તે દાન પોતાના ઉપાર્જનનું હોવું જોઈએ અને તે ઉપાર્જન નૈતિકતાપૂર્ણ હોવું જોઈએ. આ સંદર્ભે દાદા વ્યાસ તેમને ઋષિ મુદ્ગલની વાર્તા સંભળાવે છે. તેઓ દરેક તહેવાર, શુભ દિને ત્રણેય લોકના જીવોને અન્નદાન કરતા. તેઓ એક દ્રોણ (લગભગ સોળ શેર) અનાજ લઈને બેસતા, પણ જેમ જેમ તે દાન કરતા જાય તેમ જરૂરિયાત મુજબ તે દાન વધતું જતું. તેમની કસોટી ત્યારે થાય છે જ્યારે મહર્ષિ દુર્વાસા પાગલ જેવો કઢંગો વેષ ધારણ કરીને ગુસ્સાથી બોલતાં બોલતાં મુદ્ગલમુનિના આશ્રમમાં આવ્યા. તેમણે ખોરાકની માગણી કરી અને મુદ્ગલ ઋષિનો બનાવેલો તમામ ખોરાક આરોગી ગયા. મુનિ પોતે ભૂખ્યા રહીને નીચે પડેલા અન્નના દાણા વીણી લેતા. આમ છ વાર દુર્વાસા મુનિ તેમને ત્યાં આવીને આવું જ કરે છે. દરેક વખત મુદ્ગલ મુનિ મનને શાંત અને સ્થિર રાખીને દુર્વાસા મુનિને ભોજન કરાવે છે. તેમનું ધૈર્ય જોઈને દુર્વાસા મુનિ પ્રસન્ન થાય છે. તેવામાં હંસ અને સારસ દ્વારા ચાલતું એક વિમાન ત્યાં આવે છે અને તેમાં બેઠેલા દેવદૂત મુદ્ગલ મુનિને કહે છે કે તમારા દાન અને શ્રદ્ધાથી આ વિમાન તમને મળ્યું છે, તો આવો તેમાં બેસો. મુદ્ગલ ઋષિ કુતૂહલવશ દેવદૂતને સ્વર્ગમાં રહેતા જીવો વિષે પૂછે છે. તેઓ સ્વર્ગના ગુણગાન ગાય છે અને ત્યારબાદ તે પણ જણાવે છે કે પુણ્યકર્મના ફળ પુરા થતાં જ તે જીવો રાજસી બનીને નીચે તરફ પડે છે. તેથી મુદ્ગલ મુનિ પૂછે છે કે સ્વર્ગ સિવાય કોઈ એવી જગ્યા જણાવો જ્યાં કોઈ દોષ ન હોય. ત્યારે દેવદૂત બ્રહ્મલોકની વાત કરે છે. આ તમામ વાતોના અંતે દેવદૂત તેમને સ્વર્ગમાં આવવા કહે છે, પણ મુદ્ગલ ઋષિ સ્વર્ગની ખામીઓના કારણે ત્યાં જવાનો અસ્વીકાર કરે છે. આ કથા કહીને વ્યાસજી ત્યાંથી પોતાની તપસ્યાના સ્થાને જાય છે.
૧૭. દ્રૌપદીહરણપર્વ (અધ્યાય: ૨૬૨-૨૭૦) [36]
દુર્યોધનને જ્યારે એમ થાય છે, કે પાંડવો વનમાં પણ આનંદથી રહે છે, ત્યારે તેનો દ્વેષભાવ વધુ પ્રખર બન્યો. તે પાંડવોનું અહિત કેવી રીતે થઈ શકે તેના વિચારોમાં લીન હતો ત્યાં જ દુર્વાસામુનિ તેમના દસહજાર શિષ્યો સહિત ત્યાં પધાર્યા. દુર્યોધનના આતિથ્યથી પ્રભાવિત થઈ દુર્વાસામુનિ તેને ધર્માનુકૂલ વરદાન માંગવાનું કહે છે. ત્યારે કપટસભર દુર્યોધન તેમને કહે છે કે મારા જયેષ્ઠ પાંડુ ભાઈઓ હાલ વનમાં છે, તમે જેવી કૃપા મારા ઉપર કરી તેવી કૃપા તેમના ઉપર પણ કરો.જ્યારે દુર્વાસામુનિએ તે વાતનો સહર્ષ સ્વીકાર કર્યો તો કર્ણ, દુઃશાસન સહિત દુર્યોધન પણ દુર્વાસામુનિના ક્રોધના શિકાર બનતા પાંડવની કલ્પનાથી જ રોમાંચિત થઈ ઊઠ્યા. દુર્વાસામુનિ પાંડવોના નિવાસસ્થાને જઈને ભોજનની માગણી કરે છે અને કહે છે કે અમે સૌ નદીએ સ્નાન કરીને આવીએ છીએ ત્યારબાદ ભોજન કરીશું. અને પછી તેઓ સ્નાનાદિ ક્રિયા પતાવવા નદીએ જાય છે. સમય થતાં દ્રૌપદીએ ભોજન કરી લીધું હતું. આમ, અક્ષયપાત્ર આજે તો નવું અન્ન આપે તેમ હતું નહી. આ વખતે દ્રૌપદી શ્રીકૃષ્ણને યાદ કરીને પ્રાર્થના કરે છે. તેમની સખીનો આર્તનાદ સાંભળી શ્રીકૃષ્ણ ત્યાં પ્રકટ થાય છે અને દ્રોપદી પાસે આવીને કહે છે કે મને ખૂબ જ ભૂખ લાગી છે મને કાંઈક ખાવા માટે આપ. હતપ્રભ દ્રૌપદી વિચારે છે કે મારી પાસે અન્ન નથી તેનો જ હું વિચાર કરું છું ત્યા શ્રી વાસુદેવને શું ખવડાવું. પણ શ્રીકૃષ્ણ આગ્રહથી અન્નપાત્ર મંગાવે છે અને તેમાં એક જગ્યાએ ચોંટેલું શાક લઈને પોતાના મુખમાં મૂકે છે અને કહે છે સમસ્ત જગતની ભૂખ મટે. ત્યા તો બીજી તરફ દુર્વાસામુનિ અને તેમના શિષ્યો પરિતૃપ્તિનો અનુભવ કરે છે અને વિચારે છે કે હવે અમે જમી શકીએ તેવી પરિસ્થિતિ નથી અને બનાવેલું ભોજન આરોગીએ નહીં, તો શ્રીહરિભક્ત પાંડવો ક્રોધિત થશે અને ભક્તના ક્રોધનો તેમને અગાઉ અનુભવ હતો તે યાદ આવતાં ત્યાંથી જ ભાગી જાય છે. આ તરફ શ્રીકૃષ્ણ સહદેવને આજ્ઞા કરે છે કે તે મુનિને શિષ્યો સહિત નદીએથી માનપાન સાથે લઈ આવે. સહદેવ જાય છે તો આસપાસના બ્રાહ્મણો તેમને જણાવે છે કે ઋષિ તો ભાગી ગયા.
એક દિવસ સિંધુનરેશ જયદ્રથ વિવાહની અપેક્ષાએ શાલ્વદેશ જતો હતો. આ તરફ દ્રૌપદી આશ્રમમાં એકલાં હતાં અને આશ્રમના દ્વારે ઊભા હતાં ત્યારે જયદ્રથનો રસાલો ત્યાંથી પસાર થાય છે. દ્રૌપદીના રૂપથી અંજાઈને પોતાના સાથી કોટિકને તપાસ કરવા મોકલે છે કે આ રૂપવતી કોણ છે. કોટિક ત્યાં જઈને જયદ્રથની વિવિધ શબ્દો અને વિશેષણો સહિત પ્રશસ્તિ કરે છે અને દ્રૌપદી કોની ભાર્યા છે તે પૂછે છે. દ્રૌપદી કહે છે કે હું પતિપરાયણ સ્ત્રી છું અને તેથી મને પરપુરુષ સાથે વાર્તાલાપમાં વિચાર કરવો જોઈએ પરંતુ હાલ કોઈ પુરુષ હાજર નથી અને તેથી મારે તમને જવાબ આપવો પડે છે. હું તમને ઓળખું છું કે તમે શિબિ દેશના રાજા સુરથના પુત્ર કોટિકસ્ય છો. હું રાજા દ્રુપદની પુત્રી અને લોકો મને કૃષ્ણા તરીકે ઓળખે છે. હું પાંચ વીર પાંડવોને વરી છું અને તે તમામ મહારથીઓ થોડી જ વારમાં અહીં આવશે. અતઃ તમે સૌ અહીં રથ પરથી ઊતરીને વિશ્રામ કરો અને અમારું આતિથ્ય સ્વીકારો. આમ કહીને પાંચાલી પર્ણકુટિમાં જતાં રહે છે. કોટિક જઈને જયદ્રથને આ વાત કરે છે ત્યારે લંપટ જયદ્રથ પોતાના છ ભાઈઓ સહિત દ્રૌપદીની પર્ણકુટિમાં જાચ છે અને દ્રૌપદીની સાથે તેને પોતાના રથ પર આસીન થવા અને પુરા સિંધુદેશની રાણી થવાનું કહે છે. પછી જયદ્રથ તેમને ખેંચીને રથમાં બેસાડે છે. ધૌમ્ય ઋષિ તેમને રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. પાંડવો પરત આવતાં તેમને ખબર પડે છે અને તેઓ જયદ્રથનો પીછો કરે છે અને દ્રુતગતિએ ભાગતા જયદ્રથ સુધી પહોંચીને તેને યુદ્ધ માટે લલકારે છે. પાંડવો જયદ્રથની સેનાને હરાવે છે અને જયદ્રથ ભાગી જાય છે તેથી અર્જુન અને ભીમ તેનો પીછો કરે છે અને યુધિષ્ઠિર, નકુલ અને સહદેવ દ્રૌપદીને લઈને આશ્રમ આવે છે.
૧૮. જયધરથ વિમોક્ષણ પર્વ (અધ્યાય: ૨૭૨) [37]
પોતાના તમામ સાથીઓનો નાશ થયેલો જોઈ જયદ્રથ રણભૂમિ છોડીને કાયરની જેમ ભાગે છે. ભીમ અને અર્જુન તેને પકડીને બંદી બનાવે છે અને યુધિષ્ઠિર સમક્ષ તેને રજૂ કરે છે. પરંતુ યુધિષ્ઠિર દયા બતાવી જયદ્રથને મુક્ત કરે છે, જયદ્રથ ત્યાંથી છૂટીને પોતાના અપમાનનો બદલો લેવા શક્તિ મેળવવા ગંગાદ્વાર (હરિદ્વાર) જઈ મહાદેવનું કઠોર તપ કરે છે. મહાદેવજી પ્રસન્ન થતાં જયદ્રથ માંગે છે કે તેઓ રથ સહિત પાંચેય પાંડવોને હરાવી શકે. પણ મહાદેવ કહે છે કે એ શકય નથી. બદરીનાથ ધામમાં નારાયણની સાથે તપ કરનાર નર તે સ્વયં અર્જુન છે, અને નર-નારાયણને પરાજિત કરવા શક્ય નથી. પરંતુ હું તને એ વરદાન આપું છું કે અર્જુનને છોડીને બાકીના ચાર પાંડવોને તું આગળ વધતાં અટકાવી શકીશ. ત્યાર બાદ શિવજી નર-નારાયણનો મહિમા સમજાવે છે.
૧૯. રામોપાખ્યાનપર્વ (પ્રકરણ: ૨૭૩–૨૯૨) [21] [38]
યુધિષ્ઠિરને પોતાના અને ભાઈઓના વનવાસની પરિસ્થિતિના કારણે વિષાદ થાય છે ત્યારે મહર્ષિ માર્કણ્ડેય તેમને રામાયણ કથા સંભળાવીને શ્રી રામને પડેલાં કષ્ટ વિષે વાત કરીને યુધિષ્ઠિરને આશ્વાસન આપે છે.
૨૦. પતિવ્રતામાહાત્મ્યર્વ (અધ્યાય: ૨૯૨-૨૯૯) [4]
અરણ્ય પર્વમાં સાવિત્રી અને સત્યવાનની વાર્તા વર્ણવવામાં આવી છે. [39]
રામકથા સાંભળ્યા બાદ યુધિષ્ઠિર માર્કણ્ડેય મુનિને કહે છે, કે હું મારી અને મારા ભાઈની દુર્દશાનું કારણ સમજી શકું છું, પરંતુ પતિવ્રતા દ્રૌપદીનું દુઃખ જોઈને હું વ્યથિત છું, તેને શા માટે આ દુઃખ સહન કરવું પડે છે ? ત્યારે માર્કણ્ડેય મુનિ સાવિત્રી અને સત્યવાનની વાત કરે છે અને તે દ્વારા પતિવ્રતાનું માહાત્મ્ય સમજાવે છે. મહાભારતથી પણ પ્રાચીન કાળમાં મદ્ર દેશમાં પ્રતાપી અને ધર્મપરાયણ રાજા અશ્વપતિનું રાજ્ય હતું. તેમને સંતાન ન હોવાથી તેમણે સાવિત્રી દેવીનું તપ કર્યું અને તેના પ્રતાપે તેમને પુત્રી પ્રાપ્ત થઈ. મા સાવિત્રીની કૃપાથી જન્મેલી પુત્રીનું નામ પણ સાવિત્રી રાખવામાં આવ્યું. સાવિત્રી યુવાન થતાં પણ તેમના માટે કોઈ રાજકુમાર તરફથી વિવાહનો પ્રસ્તાવ ન મળતાં રાજા વ્યથિત થયા અને તેમણે મંત્રી અને રાજરક્ષકો સહિત કુંવરીને દેશાટન કરીને પોતાના માટે યોગ્ય વરનું ચયન કરવાની વાત કરી. આમ સાવિત્રી રસાલા સાથે અન્ય રાજ્યોના પ્રવાસે જાય છે. પૂરતા સમય બાદ જ્યારે તે પોતાના ઘરે પરત આવે છે, ત્યારે નારદ મુનિ રાજ અશ્વપતિ પાસે બેઠા હોય છે. રાજાના કહેવાથી સાવિત્રી વાર કરે છે કે મેં એક વનમાં રાજા દ્યુમત્સેનને જોયા. તેઓને મોટી વયે થયેલાં બાળક હજુ નાના હતાં, ત્યારે તેઓ અંધ થઈ જતાં જુના શત્રુ રાજાએ ચડાઈ કરીને તેમનું રાજ્ય લઈ લીધું તેથી રાજા પોતાના પરિવાર સહિત વનમાં જતા રહ્યા. તેમના પુત્ર સત્યવાનનો જન્મ તો નગરમાં થયો પરંતુ તેમનો ઉછેર વનમાં પ્રકૃતિની વચ્ચે થયો. મને લાગ્યું કે સત્યવાન જ મારા માટે યોગ્ય વર છે, તેથી મનથી મેં તેમનું વરણ (પસંદગી) કરી લીધું છે. આ સાંભળીને નારદ મુનિ નિસાસો નાખે છે કે મોટી ભૂલ થઈ ગઈ. ત્યારે ચિંતિત અશ્વપાલ પૂછે છે કે પ્રભુ ! સત્યવાન ગુણવાન તો છે ને ? ત્યારે નારદજી જણાવે છે કે તે ખૂબ જ ગુણવાન છે. તેનાં માતાપિતા સત્યવાદી હોવાને કારણે તેના જન્મથી તેમનું નામ સત્યવાન પાડ્યું પણ સત્યવાનને અશ્વો ખૂબ ગમતા તે ચિત્ર દોરે તો પણ અશ્વના જ ચિત્રો દોરતો હોવાથી તેનું બીજું નામ 'ચિત્રાશ્વ' પણ પડ્યું છે. પણ ખેદની વાત એ છે કે એક વર્ષ બાદ સત્યવાનનું મૃત્યુ થશે. સાવિત્રી કહે છે કે સ્ત્રી જીવનમાં વર એક જ વાર નક્કી કરે છે, તેમ મારે પણ જીવનમાં એક જ વાર વર પસંદ કરવો જોઈએ. મેં તે નક્કી કરી લીધો છે, હવે તે અલ્પાયુ હોય તો પણ મારી પસંદગી ફરી શકે નહીં. ત્યારે નારદ મુનિ પણ કહે છે, કે સાવિત્રી ધર્મપરાયણ છે અને તેની વાત સાચી છે, માટે તેનો વિવાહ સત્યવાન સાથે કરી દેવો જોઈએ.[40] અશ્વપતિ પોતાના કુટુંબ, મંત્રી, અન્ય રાજદ્વારીઓ તથા પ્રજાના અગ્રણીઓ સાથે રાજા દ્યુમત્સેન પરિવાર સહિત રહેતા હોય છે ત્યાં જાય છે અને તેમને સત્યવાન અને સાવિત્રીના લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. અને સત્યવાન સાથે સાવિત્રીના લગ્ન થાય છે. સાવિત્રીને નારદજીએ કહેલી તિથિ યાદ હોય છે. તેના ત્રણ દિવસ પહેલાં જ તે વ્રતનો પ્રારંભ કરે છે. સાવિત્રી આગાહી મુજબના દિવસે સત્યવાન સાથે પોતે પણ વનમાં લાકડાં કાપવા જાય છે. ત્યાં સત્યવાનનું સ્વાસ્થ્ય બગડે છે તેથી તેનું માથું પોતાના ખોળામાં રાખીને સાવિત્રી બેસે છે. ત્યાં એક રક્ત વસ્ત્રધારી દેવ આવે છે. સાવિત્રી વિનયપૂર્વક તેમનો પરિચય પૂછે છે. આવનાર કહે છે કે તેઓ સાક્ષાત્ યમ છે. સત્યવાનના પુણ્યકર્મ એટલાં છે, કે મારા દૂતને મોકલવા મને ઉચિત ન લાગ્યું તેથી હું સ્વયં આવ્યો છું. મારે તેનો જીવ લઈ જવાનો છે. યમરાજ તેના જીવને બાંધીને લઈ જાય છે તો સાવિત્રી તેમની પાછળ પાછળ જાય છે. સાવિત્રીના પતિવ્રતા જીવનને કારણે યમ તેને દેખાતા હતા અને તે તેમની પાછળ ચાલી નીકળવાને સક્ષમ હતી. જ્યારે યમ તેને પાછા ફરીને સત્યવાનની અંત્યેષ્ટિ કરવાનું કહે છે. ત્યારે સાવિત્રી કહે છે કે વિદ્વાનોના મત અનુસાર સાત પગલાં સાથે ચાલે તે મિત્રો બની જાય છે, તેમ આપણે પણ મિત્રો બની ગયા કહેવાઈએ. તેથી હું મિત્ર તરીકે આપને કાંઈક કહેવા માગું છું. તેમ કહીને તે ધર્મની, તેમાં આસ્થાની મનુષ્યોના કર્તવ્યની વાત કરે છે. આ સાંભળી યમદેવ પ્રસન્નતા અનુભવે છે અને સાવિત્રીને કહે છે કે સત્યવાનના જીવ સિવાય તું કાંઈ પણ માંગ હું તને વરદાનમાં આપીશ. સાવિત્રી પોતાના શ્વશુરની દૃષ્ટિ માગે છે. યમ કહે છે તેમની આંખો તેજવાળી દૃષ્ટિ મેળવશે તેવું વરદાન હું તને આપું છું, હવે તું પાછી વળી જા. સાવિત્રી કહે છે હું તો મારા પ્રાણનાથની સાથે જઈ રહી છું તો પાછી કેમ વળું. તેમ કહીને સત્પુરુષોના સહવાસના માહાત્મ્યની વાત કરે છે. તેથી પ્રસન્ન થઈ યમરાજા તેને બીજું વરદાન માંગવાનું કહે છે. ત્યારે તે પોતાના શ્વશુરનું રાજ્ય પરત મળે તે માગે છે. આમ તેને વરદાન મળતાં જાય છે તે આગળ વધતી જાય છે. ત્રીજા વરદાનમાં તે પોતાના પિતાને સો પુત્રો થાય તે માગે છે. ચોથા વરદાનમાં તે પોતાને અને સત્યવાનને સૌ ઔરસ પુત્રો થાય તેવું વરદાન માગે છે. પાંચમા વરદાન વખતે તે કહે છે કે હું મારા પતિનું જીવતદાન માંગું છું કારણકે તમે જ તેમના દ્વારા મને સો પુત્રોનું વરદાન આપ્યું છે. આમ, આખરે તે સત્યવાનનો જીવ પરત કરવા સૂર્યપુત્ર યમદેવને વિવશ કરી દે છે. પોતાના પતિના જીવનને પરત મેળવે છે. યમરાજ તેને વધુમાં કહે છે કે સત્યવાન ચારસો વર્ષ નીરોગી રહીને જીવશે તેને તારા દ્વારા સો પુત્રો થશે તે દરેકને પાંચ પુત્રો થશે. તારા પુત્રો તારા નામે સાવિત્ર તરીકે ઓળખાશે. તારી માતાને જે સો પુત્રો થશે તે તારી માતાના નામ (માલવી) પરથી માલવ તરીકે ઓળખાશે. સાવિત્રી પોતાના પતિના દેહ પાસે આવે છે ત્યારે રાત્રિ થઈ ચૂકી હોય છે. તે પોતાના પતિનું મસ્તક પોતાના ખોળામાં લઈને તેમને જગાડે છે. આ તરફ દૃષ્ટિ મેળવીને સત્યવાનના પિતા કુટિરમાં જઈ સત્યવાનને શોધે છે. તે ન મળતાં માતા પિતા બન્ને નજીકમાં રહેતા બ્રાહ્મણો અને ઋષિઓને પોતાની વેદના કહે છે. ગૌતમ ઋષિ, ભારદ્વાજ ઋષિ સહિત સૌ તેમને શાંત કરે છે અને કહે છે કે તેમના યોગબળથી તેઓ જોઈ શકે છે કે સત્યવાન અને સાવિત્રી સુખરૂપ અને જીવિત છે. સત્યવાન સાવિત્રી પરત આવે છે ઋષિઓના કહેવાથી સાવિત્રી નારદજીની વાતથી લઈને સમગ્ર વાતો જણાવે છે. સૌ યમરાજના વરદાન મુજબ સુખી થાય છે. આ કથા રહીને માર્કણ્ડેય મુનિ યુધિષ્ઠિરને સાંત્વના આપે છે, કે સમય જતાં સૌ સુખ ફરીથી પરત આવે છે.
૨૧. કુંડલાહરણપર્વ (અધ્યાય: ૩૦૦–૩૧૦)[10]
જનમેજય પૂછે છે કે દેવરાજ ઇન્દ્રએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે કર્ણથી તમને જે ભય છે તેનો પણ અર્જુનના પૃથ્વીલોક પર આગમન થઈ ગયા બાદ હું ઉપાય કરીશ. તો એવો કયો ભય યુધિષ્ઠિરને હતો તે મને કહો. આથી વૈશમ્પાયન ઋષિ કર્ણની વાત કરે છે. રાજા કુંતિભોજને ત્યાં આતિથ્ય માટે બ્રાહ્મણ પધારે છે અને તેમની ખૂબ સેવા કરવાને કારણે તેઓ કુંતિભોજની પુત્રી પૃથાને વરદાન માંગવા કહે છે. પૃથા જે કુંતિના નામે પણ જાણીતાં હતાં, તેમને કહે છે કે આપના અને પિતાના આશીર્વાદના કારણે મને સંતોષ છે અને તેથી હું કોઈ વર નહીં માંગું. તે વખતે બ્રાહ્મણ તેને ઘણા બધા મંત્રો આપે છે જેનાથી તે જે દેવતાનું આવાહન કરે તે તેને વશ થઈને ઇચ્છિત વર આપશે. એક દિવસ પોતના શયન કક્ષમાં સુતા સુતા જ તેને સૂર્યને જોઈને પોતાને આપેલા મંત્રો યાદ આવે છે અને તેનું પરીક્ષણ કરવાની ઇચ્છા થાય છે. તે સૂર્યદેવનું આવાહન કરે છે. સૂર્યદેવ આવીને કહે છે કે હું તમારા મંત્રના પ્રભાવથી આવ્યો છું આપની ઇચ્છા જણાવો. કુંતી કહે છે કે હું તો મંત્રની પરીક્ષા કરતી હતી માટે હે સૂર્યદેવ તમે જેવા આવ્યા છો તેવા જ પાછા જાઓ. સૂર્યદેવ કહે છે, કે તારા મનમાં મારા જેવા પ્રતાપી પુત્ર મારી પાસેથી પામવાની ઇચ્છા થઈ હતી તેથી હવે તારે પુત્ર હું આપીશ તે લેવો જોઈએ. કુંતી કહે છે કે તેનાથી મારા કુળની કીર્તિ ઘટશે માટે મારી લાજ રાખીને પણ તમે પરત પધારો. ત્યારે સૂર્યદેવ તેને સમજાવે છે કે આવી વિચારહીન અપરિપક્વ કુમારીને પાત્ર જોયા વગર મંત્ર સિદ્ધિ આપવા બદલ હું તે બાહ્મણને તથા તારા પિતાને બાળીને ભસ્મ કરી દઈશ. અને જો તું મારા થકી પુત્ર પ્રાપ્તિ કરીશ તો પણ તું કન્યા જ રહીશ તેની ખાત્રી રાખ. ત્યારે કુંતી કહે છે, કે તમે મને પુત્ર આપો તો તે કવચ અને કુંડળ સહિત આપો જે તેની સદાય રક્ષા કરે. સૂર્યદેવ સહમત થાય છે. આમ કુંતીને કૌમાર્ય દરમિયાન જ પુત્ર થાય છે. તે પોતાના અન્તઃપુરમાં જ રહીને પોતાના ગર્ભને છુપાવે છે, તેનો પ્રસવ કરાવનાર ધાયી સિવાય કોઈને પણ ખ્યાલ નથી આવતો. જન્મ થતાં જે તે એક પેટીમાં મૂકીને પુત્રને અશ્વ નદીમાં વહાવી દે છે. અશ્વ નદી ચમ્બલની સહાયક નદી હોવાથી તે પેટી ચમ્બલ નદીમાં આગળ વધે છે. ચમ્બલ આગળ ગંગાને મળે છે તેથી તે પેટી ગંગામાં જાય છે. તે સમયે રાજા ધૃતરાષ્ટ્રનો મિત્ર અધિરથ પોતાની પત્ની રાધા સહિત તે તટ પર આવે છે અને તેને આ પેટી દેખાય છે. તે મેળવતાં જ તે જુએ છે કે તેમાં એક દિવ્ય તેજ ધરાવતું બાળક હોય છે. તેને વસુ (સોનું)નું કવચ અને કુંડળ ધારણ કરેલું હોવાથી બ્રાહ્મણો દ્વારા તેનું નામકરણ વસુષેણ રાખવામાં આવે છે. તેનું અંગદેશમાં પાલનપોષણ થતાં તેને અંગરાજ પણ કહે છે. કુંતીને પણ ગુપ્તચરો દ્વારા ખબર પડે છે કે કુંડલ અને કવચધારી બાળકનો ઉછેર અધિરથને ત્યાં થઈ રહ્યો છે. મોટો થતાં જ અધિરથ તેને હાસ્તિનાપુર મોકલે છે જયાં તેને દુર્યોધનની મિત્રતા થાય છે. તે દ્રોણાચાર્ય, કૃપાચાર્ય અને પરશુરામ પાસેથી વિવિધ અસ્ત્રવિદ્યામાં પારંગત થાય છે. તે દુર્યોધન સાથે મળીને અર્જુનને હરાવવા જુદા જુદા ષડયંત્રો ઘડવામાં સામેલ થાય છે. તેને કવચ અને કુંડલ દ્વારા રક્ષિત જોઈને યુધિષ્ઠિર સતત ચિંતામાં રહેતા હોય છે.
ઇન્દ્રદેવ આ કવચ અને કુંડલ કર્ણ પાસેથી લઈ આવવાની યુક્તિ કરે છે. કર્ણ સ્નાન પૂજાથી નિવૃત્ત થઈને દાન કરતો હતો અને તે સમયે યાચક જે કાંઈ માગે તે આપતો હતો. તો ઇન્દ્રદેવ તે સમયે આવી કવચ અને કુંડલ દાનમાં માંગવાની યુક્તિ કરે છે. સૂર્યદેવ આ વાત અગાઉથી જ કર્ણના સ્વપ્નમાં આવીને જણાવે છે કે કર્ણ ઇન્દ્રને ભૂલમાં પણ તે ન આપે. કર્ણ પણ બ્રાહ્મણના સ્વાંગમાં આવેલા ઇન્દ્રને કવચ અને કુંડળના બદલે બીજું કાંઈ પણ માંગવા કહે છે પણ ઇન્દ્ર તેની ના પાડે છે. છેવટે દાનવીર કર્ણ ઇન્દ્રને ઓળખી ગયા બાદ પણ તેમણે યાચક થઈને દાનમાં માંગેલા કવચ અને કુંડલ આપી દે છે. પણ તે પહેલાં તે ઇન્દ્ર પાસે તેમની અમોઘ શક્તિ માગે છે. ઇન્દ્ર કહે છે કે તે શક્તિ જ્યારે હું વાપરું છું ત્યારે મારા શત્રુનો નાશ કરીને મારી પાસે પાછી આવી જાય છે, તે જ રીતે એકવાર તું તારા એક શત્રુ પર તેનો પ્રયોગ કરીશ પછી તે શક્તિ પાછી મારી પાસે આવી જશે. આમ તું તેનો એક જ વાર ઉપયોગ કરી શકીશ. વળી, જયાં સુધી તારી પ્રાણ સંકટની પરિસ્થિતિ ન સર્જાય ત્યાં સુધી જો તું એ શક્તિનો પ્રયોગ કરીશ તો તે શક્તિ શત્રુના બદલે તારો જ વિનાશ કરશે. કર્ણ તે પણ સ્વીકારે છે. આમ જ્યારે તેણે પોતાના કુંડળ પણ આપી દીધાં ત્યારે તેનું નામ તે કર્ણન નામની વિધિ પરથી કર્ણ પડ્યું.
૨૨. આરણેયપર્વ (અધ્યાય: ૩૧૧-૩૧૫) [4]
યુધિષ્ઠિર યક્ષના પ્રશ્નોના જવાબ આપે છે
જનમેજય પૂછે છે કે દ્રૌપદીની અપરહણની ઘટના બાદ પાંડવોએ શું કર્યું અને તેમણે તેમનું તેરમું વર્ષ કઈ રીતે વિતાવ્યું તે કહો. વૈશમ્પાયન ઋષિ ત્યારબાદ તેનું વર્ણન કરતાં નીચે મુજબ કહે છે:
પાંડવો કામ્યક વનથી દૈતવનમાં જાય છે. એક દિવસ એક બ્રાહ્મણની અરણી (સમિધા, યજ્ઞ માટેનાં લાકડાં) એક વૃક્ષ પર ટીંગાડ્યા હોય છે અને એક મૃગના શિંગડામાં ભરાઈ જતાં તે અરણી સાથે જ હરણ ઝડપથી ભાગે છે. તેથી તે બ્રાહ્મણ યુધિષ્ઠિર પાસે આવીને મદદ માંગે છે. પાંડવો મૃગને પકડવા કે મારી નાખવા તેની પાછળ ભાગે છે, પણ મૃગ જાણે માયાવી હોય તેમ ઘડીમાં દૂર તો ઘડીમાં નજીક, ઘડીમાં દૃષ્ટિગોચર તો ઘડીમાં ઓઝલ થઈ જાય છે. છેવટે પાંડવો થાકીને એક વૃક્ષ નીચે બેસી જાય છે અને નકુલને પાણીની તપાસ કરવાનું કહે છે. નકુલ પાણીની તપાસ કરી પાણી લેવા જાય છે. એક સુંદર સરોવર જોઈને નકુલ પાણી પીવાની ચેષ્ટા કરે તે પહેલાં જ એક પ્રતિભાશાળી અવાજમાં તેને કોઈક કહે છે કે માદ્રીકુમાર આ સરોવર પર પહેલેથી જ મારો અધિકાર છે. તમે મારા પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપો પછી જ પાણી પીઓ અને લઈ પણ જાવ. નકુલને ખૂબ જ તરસ લાગી હતી તેથી તેણે તે યક્ષની વાતને અવગણીને પાણી પીવા ગયા અને તરત જ અચેત થઈને પડી ગયા. ત્યારબાદ સહદેવ, અર્જુન અને ભીમસેનની સાથે પણ એમ જ થયું. પરંતુ યુધિષ્ઠિર ત્યાં આવીને પોતાના મૃત ભાઈઓને જોઈને કલ્પાંત કરે છે અને જેવા તે જળમાં ઉતરવા જાય છે ત્યાં યક્ષ તેમને પણ એ જ ચેતવણી આપે છે. પછી યુધિષ્ઠિર તેના પ્રશ્નોના જવાબ આપે છે. ત્યારે યક્ષ તેમને કહે છે કે હું તમારા જવાબથી સંતોષ પામ્યો છું તો તમે તમારા મૃત ભાઈઓમાંથી એકને જીવંત કરી શકશો. તો કહો કે હું કોને જીવતા કરું. ત્યારે યુધિષ્ઠિર નકુલને જીવતા કરવાનું કહે છે. ત્યારે યક્ષ પૂછે છે કે તમારા સહોદર ભીમ કે અર્જુનના બદલે તમે નકુલની પસંદગી કેમ કરો છો? ત્યારે યુધિષ્ઠિર કહે છે કે મારા પિતા પાંડવને બે પત્નીઓ છે તેમાં હું કુન્તીપુત્ર જીવિત છું, તો એક માદ્રીપુત્ર પણ જીવિત રહે તેમ હું ઇચ્છું છું. યક્ષ પ્રભાવિત થાય છે અને તે તમામ ભાઈઓને જીવિત કરે છે. ત્યાર બાદ યુધિષ્ઠિર યક્ષની સાચી ઓળખાણ પૂછે છે ત્યારે યક્ષ કહે છે કે હું તારો જન્મદાતા ધર્મરાજ છું અને તને જોવાની એષણા થકી અહીં આવ્યો છું. ત્યાર બાદ ધર્મરાજ કહે છે કે હે ! યુધિષ્ઠિર તું તને મનગમતું વરદાન માંગ. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે અમે જે બ્રાહ્મણની અરણી લઈને મૃગ ભાગ્યું હતું તે પાછું મેળવવા માંગીએ છીએ જેથી તે બ્રાહ્મણનું અગ્નિહોત્ર અસ્ખલિત ચાલે. તેથી ધર્મરાજ કહે છે કે એ તો હું જ મૃગ બનીને લઈ ગયો હતો, હું તમને આપી દઉં છું, પરંતુ તું બીજું વરદાન માંગ. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે અમારા વનવાસના બાર વર્ષ પુરા થયા છે પણ તેરમું વર્ષ અજ્ઞાતવાસનું છે. તો એવું કાંઈક કરો કે તે સમયમાં અમને કોઈ ઓળખી ન શકે. ત્યારે યક્ષ કહે છે કે હું તમને વરદાન આપું છું કે તમે તેરમાં વર્ષમાં ઓળખાઈ નહીં જાવ. વળી, તમે જે જે સેવાનો સંકલ્પ કરશો તેને અનુરૂપ તમારું રૂપ થઈ જશે. પરંતુ હજુ મેં તમને જે આપ્યું તેથી મારું મન તૃપ્ત નથી થતું માટે મારે તમને હજુ પણ કાંઈક આપવું છે. તું અને વિદુર બન્ને મારો જ અંશ છે, તેથી મારા દીકરા તરીકે બીજું એક વરદાન માંગો. ત્યારે યુધિષ્ઠિર કહે છે, પ્રભુ, મને લોભ, મોહ, ક્રોધને જીતી શકું તેવું વરદાન આપો. ધર્મરાજ તે વરદાન આપીને અદૃશ્ય થાય છે. ત્યારબાદ પાંડવો સૌ બ્રાહ્મણોની તથા ધૌમ્ય મુનિની રજા માંગે છે અને પોતે વિચાર વિમર્શ કરવા એક જગ્યાએ એકઠા થાય છે.

સંદર્ભ

 1. 1 2 van Buitenen, J.A.B. (1975) The Mahabharata: Book 2: The Book of the Assembly Hall; Book 3: The Book of the Forest. Chicago, IL: University of Chicago Press
 2. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 3. Ganguli, K.M. (1883-1896) "Vana Parva" in The Mahabharata of Krishna-Dwaipayana Vyasa (12 Volumes). Numerous editions
 4. 1 2 3 4 5 6 7 Dutt, M.N. (1896) The Mahabharata (Volume 3): Vana Parva. Calcutta: Elysium Press
 5. Williams, M. (1868) Indian Epic Poetry. London: Williams & Norgate, p 103
 6. van Buitenen, J.A.B. (1973) The Mahabharata: Book 1: The Book of the Beginning. Chicago, IL: University of Chicago Press, p 476
 7. Debroy, B. (2010) The Mahabharata, Volume 1. Gurgaon: Penguin Books India, pp xxiii - xxvi
 8. 1 2 Bibek Debroy (2011), The Mahābhārata, Volume 3, ISBN 978-0143100157, Penguin Books
 9. Last Chapter of Vana Parva The Mahabharat, Translated by Manmatha Nath Dutt (1894)
 10. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 Arany Parva Mahabharat, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1884)
 11. "Mahābhārata (Table of Contents)". The Titi Tudorancea Bulletin. મેળવેલ 2021-03-01.
 12. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 13. डॉ. पं. श्रीपाद दामोदर सातवलेकर, महाभारत आरण्यकपर्व, [मूल संस्कृत श्लोक और हिन्दी अर्थ सहित], स्वाध्याय मंडल, पारडी, वलसाड, 1969
 14. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 15. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 16. डॉ. पं. श्रीपाद दामोदर सातवलेकर, महाभारत आरण्यकपर्व, [मूल संस्कृत श्लोक और हिन्दी अर्थ सहित], स्वाध्याय मंडल, पारडी, वलसाड, 1969
 17. Vana Parva The Mahabharata, Translated by Manmatha Nath Dutt (1894), pages 18-61
 18. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 19. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 20. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 21. 1 2 Monier Williams (1868), Indian Epic Poetry, University of Oxford, Williams & Norgate - London, page 104
 22. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 23. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 24. Peter Sklivas (2013), The Secret of Enduring Love: Yoga Romance of Damayanti and Nala, ISBN 978-0989649605, Boston
 25. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 26. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 27. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 28. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 29. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 30. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 31. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 32. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 33. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 34. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 35. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 36. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 37. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 38. Tribhuvan Rai. महाभारत ( Vol 1 To 12) गोरखपुर प्रेस.
 39. Verma, K. D. (1977). Myth and Symbol in Aurobindo's Savitri, Journal of South Asian Literature, 12 (3/4), pages 67-72
 40. Monier Williams (1868), Indian Epic Poetry, University of Oxford, Williams & Norgate - London, page 37-39

બાહ્ય કડીઓ

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.