આદિપર્વમહાભારતના અઢાર પર્વ પૈકીનું પ્રથમ પર્વ (પહેલો વિભાગ) છે. સંસ્કૃતમાં "આદિ"નો અર્થ "પ્રારંભનું" થાય છે.

આદિપર્વ પરંપરાગત રીતે ૧૯ ઉપપર્વ અને ૨૩૬ અધ્યાય ધરાવે છે.[1][2][3][4]

આદિપર્વમાં કરેલાં વર્ણન પ્રમાણે આ મહાકાવ્યનું સૌપ્રથમ પઠન વૈશમ્પાયને તક્ષશિલામાં જનમેજય દ્વારા આયોજિત સર્પસત્ર દરમ્યાન કર્યું હતું. ત્યારબાદ નૈમિષારણ્યમાં એકત્રિત ઋષિ મુનિઓની સમક્ષ તેનું પઠન ઉગ્રશ્રવઃ સૌતી કરે છે. આદિપર્વના ઉપપર્વ અનુક્રમણિકા પર્વમાં મહાભારતના અઢાર પર્વો અને દરેક પર્વમાં આવેલા અધ્યાયોની અનુક્રમણિકા આપવામાં આવી છે. વળી તેમાં મહાભારતનું મહાત્મ્ય પણ વર્ણવવામાં આવ્યું છે. આ પર્વમાં ભરત અને ભૃગુના જન્મની કથા અને તેમનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. કૃતિનો મુખ્ય ભાગ કુરુ રાજ્યના રાજકુમારોના જન્મ અને પ્રારંભિક જીવન અને ધૃતરાષ્ટ્રએ કરેલી પાંડવોની સતામણીને આવરી લે છે.

માળખું અને પ્રકરણો

આદિપર્વમાં સમાવિષ્ટ કુલ ૧૯ ઉપપર્વોનો સમાવેશ થાય છે જેને નાના ૨૩૬ પ્રકરણોમાં વહેંચવામાં આવ્યા છે. નીચેના પેટા પર્વો છે:[5]

૧. અનુક્રમણિકા પર્વ (અધ્યાય: ૧)
નૈમિષારણ્ય (નૈમિષ નામના જંગલ)માં સૌતી, શૌનકના નેતૃત્વમાં ભેગા થયેલા ઋષિઓને મળે છે. ઋષિગણ મહાભારત સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરે છે. સૌતી તેઓને સર્જનની વાતો સંભળાવે છે. તેની સાથે મહાભારત કેવી રીતે લખવામાં આવ્યું તેની વાર્તા પણ સંભળાવી. આ ઉપપર્વ મહાભારતના મહત્વનું વર્ણન કરે છે, તમામ માનવ જ્ઞાનના વ્યાપક સંશ્લેષણનો મહાભારતમાં સમાવેશ થયો છે તે જણાવે છે, અને શા માટે તેનો અભ્યાસ થવો જોઈએ, તે સમજાવે છે.
૨. સંગ્રહ પર્વ (અધ્યાય: ૨)
આ પર્વમાં પરશુરામે ૨૧ વખત પૃથ્વીને નક્ષત્રી (ક્ષત્રિયોના સૌ વયસ્ક પુરુષોનો નાશ કરીને ક્ષત્રિય વિનાની) કરી હતી અને તેમના રક્તથી સમંત પઞ્ચક સરોવરો ભર્યા હતા અને પછી પશ્ચાતાપમાં ઘોર તપ કર્યું હતું તેની વાત આવે છે. આ પર્વમાં સેનામાં અક્ષૌહિની સેનાની વ્યાખ્યા કરવામાં આવી છે. તેમજ મહાભારતના ૧૮ પર્વની સંક્ષિપ્તમાં રૂપરેખા આપવામાં આવી છે. .
૩. પૌષ્ય પર્વ (અધ્યાય: ૩)
આ પર્વમાં ધૌમ્ય ઋષિના શિષ્યો આરુણી, ઉપમન્યુ અને વેદ નામના ત્રણ શિષ્યોની વાત આવે છે. ધૌમ્ય ઋષિ યુધિષ્ઠિરના પુરોહિત હતા. અને ઉત્તંક, પૌષ્યની કથા પણ આજ પર્વમાં આવે છે. જનમેજયના એક યજ્ઞ દરમિયાન સરમાના શ્વાન પુત્ર ખૂબ ભસીને યજ્ઞની શાંતિભંગ કરવાના કારણએ અન્ય ઋષિઓ દ્વારા પ્રતાડિત થતાં તેણે તેની માતા સરમાને ફરિયાદ કરી ત્યારે સરમાએ જનમેજયને આપેલા શ્રાપની પણ વાત છે.
૪. પૌલોમા પર્વ (અધ્યાય: ૪-૧૨)
આ પર્વમાં પુરુષોની ભાર્ગવ જાતિનો ઇતિહાસ તેમજ ચ્યવનના જન્મની વાત આવે છે.
૫. અસ્તિક પર્વ (અધ્યાય: ૧૩-૫૮)
આ પર્વમાં સમુદ્રમંથનની વાત આવે છે. જગતને એક સુત્રમાં સાંકળવા ધર્મનો પ્રભાવ અને તેની ફિલસુફીની વાત છે. આ પર્વમાં તક્ષકના દંશથી પરીક્ષિતનું મૃત્યુ થતાં તેમના પુત્ર જનમેજય દ્વારા સર્પ સત્ર યજ્ઞના આયોજનની વાત આવે છે. સાપ તથા અન્ય જીવ-સ્વરૂપોની હિંસા મનુષ્ય માટે કેટલો મોટો અભિશાપ બની શકે, તે બતાવીને અહિંસાનો સિદ્ધાંત પ્રતિપાદિત કરવામાં આવે છે. આ ઉપરાંત આસ્તિકના જન્મની વાર્તા તથા વૈશમ્પાયન કેવી રીતે જન્મેજયને મહાભારતનું વર્ણન કરવા આવ્યા તેની વાર્તા વિગતે આ પર્વમાં છે.
૬. આદિવાન્સાવતાર પર્વ (અંશાવતરણ પર્વ) (અધ્યાય: ૫૯-૬૪)
આ પર્વમાં પાંડવ અને કુરુ રાજકુમારોનો ઇતિહાસ, શંતનુ, ભીષ્મ અને સત્યવતીની કથાઓ, કર્ણના જન્મની, કૃષ્ણના જન્મની કથાનો સમાવેશ થાય છે. આ જ પર્વમાં પૃથ્વી પર ફેલાયેલી અરાજકતાથી માનવજાતને બચાવવા ઈશ્વરને અવતાર ધારણ કરવા બ્રહ્માને વિનંતીની કથા પણ છે.
દુષ્યંત સાથેના પ્રેમલગ્ન પછી શકુંતલાના પુત્ર ભરત. સંભવ પર્વમાં તેમના સંવનન અને પ્રેમ સંબંધનું વર્ણન કરવામાં આવ્યું છે.
૭. સંભવ પર્વ (અધ્યાય: ૬૫-૧૪૨)
આ પર્વમાં પૃથ્વી અને દેવતાઓ પરના જીવનનો સિદ્ધાંત જણાવવામાં આવ્યો છે. આ પર્વમાં દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા અને અન્ય ઋષિઓની વાર્તા, દુષ્યંત અને શકુંતલાની વાર્તા, ભરતના જન્મની વાર્તા, ભરત રાજકુમાર બને છે તે વાર્તા, યયાતિ, દેવયાની અને શર્મિષ્ઠાની વાર્તાઓ, યદુ, પુરુ અને પુરુષોની પૌરવ જાતિની વાર્તાઓ સમાવિષ્ટ છે. કુંતીનો સ્વયંવર, માદ્રીના લગ્ન અને વિદુરના લગ્નની વાર્તાઓ, તેમજ કૌરવો અને પાંડવો વચ્ચેના સંઘર્ષ અને સમાધાન કરવાના પ્રયાસો આ પર્વમાં વર્ણવવામાં આવ્યા છે.
૮. જતુગૃહ પર્વ ((જતુગૃહ-દાહ) પર્વ (અધ્યાય: ૧૪૩-૧૫૩)
આ પર્વનાં કનિકાની ધૃતરાષ્ટ્રને સામ્રાજ્ય પર શાસન કેવી રીતે કરવું અને દુશ્મનો અને સંભવિત સ્પર્ધા સામે શાસન અને યુદ્ધ માટે કેવી રીતે છેતરપિંડી અસરકારક સાધન છે તે અંગેની સલાહ બાબતે વિસ્તારથી વાત આવે છે. કનિકા શિયાળ, વાઘ, ઉંદર, મંગૂસ અને હરણ વિશેની તેમની સાંકેતિક વાર્તા સંભળાવે છે અને તે સલાહ આપે છે કે નબળા શાસકે પોતાની નબળાઈઓને અવગણવી જોઈએ અને અન્ય લોકોની નબળાઈઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને અન્ય લોકો માટે ક્રૂર અને વિનાશક હોવા સાથે મિત્ર બનવાનો ઢોંગ કરવો જોઈએ, ખાસ કરીને જ્યારે સ્પર્ધા ખૂબ મજબૂત હોય. આ પર્વમાં લાક્ષાગૃહની પણ વાર્તા આવે છે. લાક્ષાગૃહની વાત સંક્ષિપ્તમાં એવી છે કે, ધૃતરાષ્ટ્ર કૌરવો તરફથી મિત્રભાવે પાંડવો માટે જંગલમાં ઘર બનાવવાની યોજના બનાવે છે, પણ તે ઘર લાખ અને અન્ય જ્વલનશીલ સામગ્રીઓથી બનાવે છે. તેમની યોજના આ ઘરમાં પાંડવો અને કુંતીને જીવતાં સળગાવી દેવાની હોય છે. પણ વિદુરના કહેવાથી પાડવો એક સુરંગ બનાવીને આગ લાગે તે પહેલાં જ ઘર છોડીને બહાર આવી જાય છે. વિદુર કનિકાની સલાહની સખત ટીકા કરે છે.
૯. હિડિમવ-વધ પર્વ (અધ્યાય: ૧૫૪-૧૫૮)
આગમાંથી બચ્યા પછી પાંડવ ભાઈઓની ભટકવાની વાર્તા આ પર્વમાં આવે છે. ભીમ અને રાક્ષશી હિડિમ્બાની વાર્તા પણ આ પર્વનો ભાગ છે. હિડિમ્બા ભીમના પ્રેમમાં પડે છે અને તેના ભાઈને ભીમની હત્યામાં મદદ કરવાનો ઇનકાર કરે છે. ભીમ અને હિડિમ્બાના રાક્ષસ ભાઈ હિડિમ્બાસુર વચ્ચેના યુદ્ધ થાય છે અને હિડિમ્બાસુરનો વધ કરીને ભીમ વિજયી બને છે. આ જ પર્વમાં ભીમ અને હિડિમ્બાના પુત્ર ઘટોત્કચની વાર્તા પણ આવે છે.
૧૦. બકા-વધ પર્વ (અધ્યાય: ૧૫૯-૧૬૬)
ભીમે બીજા રાક્ષસ બકાસુરને માર્યાની વાર્તા આ પર્વમાં આવે છે, મહાભારતની નાયિકા દ્રૌપદીના જન્મની વાત આ પર્વમાં આવે છે.
૧૧. ચૈત્રરથ પર્વ (અધ્યાય: ૧૬૭-૧૮૫)
પાંડવોનું પાંચાલ તરફ પ્રયાણ, અર્જુનનું ગાંધર્વ સાથેનું યુદ્ધ, વશિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચેનો સંઘર્ષ, પરાશરની કથા આ પર્વની પ્રમુખ કથાઓ છે.
૧૨. સ્વયંવર પર્વ (અધ્યાય: ૧૮૬-૧૯૪)
પાંડવોનું પાંચાલમાં આગમન, દ્રૌપદીના સ્વયંવરની કથા આ પર્વમાં છે. કુંતી દ્રૌપદીને ભિક્ષા માનીને પાચેય ભાઈઓમાં વહેંચવાની વાત કરે છે. આ પર્વમાં લાક્ષાગૃહમાં બળીને રાખ થઈ ગયા હોવાનું મનાતા પાંડવો જીવતા હોવાનું અને તે જ બ્રાહ્મણ વેશે દ્રૌપદીનો સ્વયંવર જીતે છે તેની ખબર ધૃષ્ટદ્યુમ્નને મળે છે.
૧૩. વૈવાહિક પર્વ (અધ્યાય: ૧૯૫-૨૦૧)
પાંડવો દ્રુપદના મહેલમાં આવે છે. દ્રૌપદીના પાછલા જન્મની વાર્તા અને ઇન્દ્રને શિવ દ્વારા સજા કરવામાં આવી હતી તે કથા આ પર્વમાં આવે છે. પાંડવો સાથે દ્રૌપદીનાં લગ્નની કથા પણ આ પર્વનો ભાગ છે.
૧૪. વિદુરાગમન પર્વ (અધ્યાય: ૨૦૨-૨૦૯)
દુષ્ટ કૌરવ ભાઈઓ અને સારા પાંડવ ભાઈઓ વચ્ચે સમાધાન કરાવવાનોવિદુરનો પ્રયાસ, કર્ણ, ભીષ્મ, દ્રોણ અને વિદુરના વિવિધ ભાષણો, પાંડવો કૃષ્ણના આશીર્વાદ સાથે હસ્તિનાપુર પાછા ફર્યા. ઇન્દ્રપ્રસ્થ શહેરનું નિર્માણ ઇત્યાદિ વાતો આ પર્વમાં આવે છે.
૧૫. રાજ્ય-લાભ પર્વ (અધ્યાય: ૨૧૦-૨૧૪)
સુંદ અને ઉપસુંદ તેમજ નારદની વાર્તા આ પર્વની પ્રમુખ કથાઓ છે.
૧૬. અર્જુન-વનવાસ પર્વ (અધ્યાય: ૨૧૫-૨૨૦)
આ પર્વની મહત્વની ઘટના અર્જુન દ્વારા ધર્મનું ઉલ્લંઘન અને તેમનો સ્વૈચ્છિક દેશનિકાલ છે. અર્જુન ઉલુપી અને ચિત્રાંગદા સાથે લગ્ન કરે છે અને અપ્સરાઓને બચાવે છે. આ પર્વમાં અર્જુન અને કૃષ્ણ ગાઢ મિત્રો બને છે અને અર્જુન શ્રી કૃષ્ણ સાથે દ્બારકામાં જઈને રહે છે.
અર્જુન અને સુભદ્રા
૧૭. સુભદ્રા-હરણ પર્વ (અધ્યાય: ૨૨૧-૨૨૨)
દ્વારકામાં રહેતા અર્જુન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાના પ્રેમમાં પડે છે અને તેમનું હરણ કરીને લગ્ન કરે છે તે કથા આ પર્વમાં આવે છે.
૧૮. હરણ-હરિકા પર્વ (અધ્યાય: ૨૨૩)
અર્જુન વનવાસમાંથી પાછા ફરે છે અને સુભદ્રા સાથે તેમના લગ્ન કરે છે. તેમના પુત્ર અભિમન્યુનો જન્મ થાય છે તેની તથા દ્રૌપદીના પાંચ પુત્રો ઉપપાંડવોની કથા આ પર્વમાં આવે છે.
૧૯. ખાંડવ-દાહ પર્વ (અધ્યાય: ૨૨૪-૨૩૬)
આ પર્વમાં યુધિષ્ઠિરનાં સુશાસનની ખાસિયતોની કથા છે. તે સાથે શ્રી કૃષ્ણ અને અર્જુન યમુનાના કિનારે બ્રાહ્મણના વેશમાં અગ્નિને મળે છે, જે તેની પાચનની બિમારીને દૂર કરવા ખાંડવના જંગલનો ઉપયોગ કરવાની માંગ કરે છે. અગ્નિ અર્જુનને ગાંડીવ ધનુષ્ય અને વાંદરાઓવાળો રથ આપે છે, જ્યારે કૃષ્ણ ચક્ર મેળવે છે તે કથાઆવે છે. કૃષ્ણ અને અર્જુનનું આકાશી ગ્રહો સાથે યુદ્ધ, તેમની સંયુક્ત ક્ષમતાઓ અને તેમની જીત. અશ્વસેન (તક્ષકનો પુત્ર), મંડપાલ અને તેના ચાર પક્ષી પુત્રોની વાર્તા. અર્જુન દ્વારા મયાસુરનો ઉદ્ધાર થયો.[6]

અંગ્રેજી અનુવાદો

ભીષ્મ તેમની ભીષ્મપ્રતિજ્ઞા લેતા આદિપર્વમાં બતાવવામાં આવ્યું છે

આદિપર્વ અને મહાભારતના અન્ય પુસ્તકો સંસ્કૃતમાં લખાયેલા છે. આદિપર્વના કેટલાક અનુવાદો અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. એવા અનુવાદો કે જેમના પ્રકાશનાધિકારની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે અને જે પબ્લિક ડોમેનમાં છે તેમાં કિસરી મોહન ગાંગુલી અને મનમથ નાથ દત્તના અનુવાદોનો સમાવેશ થાય છે.

મિત્રો સાથે શકુંતલાનાં જીવનનું વર્ણન આદિપર્વમાં સમભાવ પર્વના પ્રકરણોમાં કરવામાં આવ્યું છે.

સંદર્ભ

  1. Ganguli, K.M. (1883-1896) "Adi Parva" in The Mahabharata of Krishna-Dwaipayana Vyasa (12 Volumes). Calcutta
  2. Dutt, M.N. (1895) The Mahabharata (Volume 1): Adi Parva. Calcutta: Elysium Press
  3. van Buitenen, J.A.B. (1973) The Mahabharata: Book 1: The Book of the Beginning. Chicago, IL: University of Chicago Press, pp 475-476
  4. Debroy, B. (2010) The Mahabharata, Volume 1. Gurgaon: Penguin Books India, pp xxiii - xxvi
  5. "Mahābhārata (Table of Contents)". The Titi Tudorancea Bulletin. મેળવેલ 2021-03-01.
  6. PC Roy Mahabharata Adi Parva, Khandava-daha Parva

બાહ્ય કડીઓ

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.